(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૨ઃ
Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાના પીંઠડ ગામે ઝડપથી ઈકો કાર ચલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં પિતા-પુત્રએ એક ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કરતાં ખેડૂતને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે જોડિયા પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, પીઠડ ગામે રહેતા ૪૮ વર્ષીય ખેડૂત ભરતભાઈ મેંદપરા ગત તા. ૧૦ ઓક્ટોબરની સાંજે સાતેક વાગ્યે મોટરસાઇકલ લઈને ગામમાં માવો લેવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે પીપળા ચોક પાસે પડાણા ગામ તરફથી એક ઈકો કાર પૂરઝડપે આવતાં તેમણે કારચાલક મહમદ અને તેની સાથે બેઠેલા તેના પિતા વલો વેલિંગ વાળાને આવી રીતે ગાડી ન ચલાવવા જણાવ્યું હતું.આ બાબતે બોલાચાલી થતાં ફરિયાદ મુજબ પિતા-પુત્ર બંને ઈકો કારમાંથી લાકડીઓ લઈને ઊતરી પડ્યા હતા અને ખેડૂત સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. જેમાં વલાએ લાકડી વડે માથામાં ઘા માર્યો હતો, જ્યારે મહમદે લાકડી વડે ડાબા હાથની કલાઈ પર પ્રહાર કર્યો હતો. હુમલા બાદ બંને ઈકો કાર લઈને નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત ખેડૂતને ગામના આશીફભાઈ સોઢીયાએ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ખેડૂતને માથામાં પાંચ-છ ટાંકા લેવા પડ્યા હતા અને ડાબા હાથની કલાઈમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવ અંગે ખેડૂતની ફરિયાદના આધારે જોડિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

