Junagadh,તા.૧૮
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે દરોડો પાડીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના દાવાઓની હવા કાઢી નાખી છે. ધારી-ગુંદાળી રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ પર ત્રાટકીને એસએમસીએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી જિલ્લાભરમાં સનાટો મચાવી દીધો છે.
દરોડા દરમિયાન જીસ્ઝ્રની ટીમે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ અને બિયરની આશરે ૧૦૧૫ જેટલી પેટીઓ કબજે કરી હતી, જેની કિંમત ?૧.૨૨ કરોડ અંકાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ વાહનો પણ જપ્ત કર્યા છે, આમ કુલ મળીને ૧.૫૩ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.એસએમસીની આ સરપ્રાઈઝ કામગીરીથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ હાઈ-પ્રોફાઈલ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી પ્રકાશ ખુમાન અને જયવીર ખુમાન નામના બે મુખ્ય શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂના આ કટિંગ અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ૧૩ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એસએમસીની ટીમે ચક્ર ગતિમાન કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ભેંસાણ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાંધીનગરની ટીમને માહિતી મળી જાય કે કરોડો રૂપિયાનો દારૂ ભેંસાણમાં અનલોડ થઈ રહ્યો છે, તો પછી સ્થાનિક પોલીસ અને બાતમીદારોનું નેટવર્ક શું કરી રહ્યું હતું? સ્થાનિક પોલીસે આંખ આડા કાન કર્યા હતા કે પછી તેમની નિષ્ક્રિયતા હતી, તે ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જૂનાગઢમાં જીસ્ઝ્રએ સપાટો બોલાવ્યો હોય. સાતમ-આઠમ તહેવારો દરમિયાન પણ જીસ્ઝ્રએ અહીં જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને થોડા સમય પહેલાં પણ ભેંસાણમાંથી જ દારૂનો જથ્થો પકડાયો હતો. સતત થતી આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થાય છે કે શું ગૃહ વિભાગ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેશે અને શું આ કરોડોના દારૂ કૌભાંડમાં તટસ્થ તપાસ થશે?

