‘એવેન્જર્સઃ ડૂમ્સડે’ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે, એ જ દિવસે ‘ડ્યૂન’ સીરિઝના ત્રીજા ભાગ સાથે ટકરાશે
Mumbai,તા.18
માર્વેલની બહુ અપેક્ષિત ફિલ્મ ‘એવેન્જર્સઃ ડૂમ્સડે’નું પહેલું ટ્રેલર લાસ વેગાસમાં ચાલી રહેલા સિનેમાકોન દરમિયાન પસંદગીના દર્શકો—થિયેટર ઓનર્સ અને મીડિયા—માટે રજૂ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મ ડિસેમ્બર રિલીઝ માટે તૈયાર છે અને તેમાં રોબર્ટ ડાઉની જુનિયર ફરી માર્વેલ યુનિવર્સમાં કમબૅક કરે છે. પરંતુ આ વખતે તે આયર્ન મેન નહીં, પરંતુ વિલન ડોક્ટર ડૂમના પાત્રમાં જોવા મળશે. ટ્રેલર ડૂમની એન્ટ્રી અને ઓરિજિનલ એવેન્જર્સની વાપસીનો સંકેત આપે છે.સિનેમાકોનમાં રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ ઇવાન્સે સ્ટેજ પર આવીને ટ્રેલર રજુ કર્યું હતું. ‘ટ્રેલર ઓફ ડૂમ’ તરીકે ઓળખાતો આ વિડિયો ફિલ્મની પહેલી સત્તાવાર ઝલક છે અને રુસો બ્રધર્સની એમસીયુમાં વાપસી દર્શાવે છે.ટ્રેલર “કંઈક આવી રહ્યું છે!” એવા વૉઇસઓવરથી શરૂ થાય છે. ત્યારબાદ તેજ પ્રકાશ વચ્ચે રોબર્ટ ડાઉની જુનિયરનો ડોક્ટર ડૂમ તરીકે સિલ્વર માસ્કમાં પહેલો લૂક જોવા મળે છે. પછી મોન્ટાજમાં પેડ્રો પાસ્કલ (મિસ્ટર ફેન્ટાસ્ટિક), સેબેસ્ટિયન સ્ટેન (બક્કી), ફ્લોરન્સ પુઘ (યેલેના), ક્રિસ હેમ્સવર્થ (થોર), લેટિટિયા રાઇટ (શુરી), ચેનિંગ ટેટમ (ગેમ્બિટ), પેટ્રિક સ્ટ્યુઅર્ટ (પ્રોફેસર એક્સ), જેમ્સ માર્સડન (સાયક્લોપ્સ), વેનેસા કર્બી (સૂ સ્ટોર્મ), જોસેફ ક્વિન (જોની સ્ટોર્મ) અને થોર ડોક્ટર ડૂમ સામેની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પોતાના સાથી એવેન્જર્સ અંગે વાત કરતાં તે કહે છે, “તેમણે દુશ્મનો સામે લડતા પ્રાણ ગુમાવ્યા. જો આપણે એકસાથે નહીં ઉભા રહીએ, તો તેમની બધી કુર્બાનીઓ વ્યર્થ જશે.” પરંતુ જ્યારે થોર સ્ટોર્મબ્રેકરનો ઉપયોગ કરે છે, ત્યારે ડૂમ તેને સહેલાઈથી રોકી દે છે.આ પછી થોર ચમત્કાર માટે પ્રાર્થના કરે છે અને અચાનક અવાજ આવે છે, “હે, પાલ!”—તે છે ક્રિસ ઇવાન્સનો સ્ટીવ રોજર્સ. થોર આશ્ચર્યમાં પડી જાય છે જ્યારે સ્ટીવ રોજર્સ મ્યોલ્નિર ઉપાડે છે.ટ્રેલર હજુ જાહેર રીતે રિલીઝ કરવામાં આવ્યું નથી, પરંતુ સિનેમાકોનમાં હાજર દર્શકોનો પ્રતિસાદ ખૂબ જ જોરદાર રહ્યો. કહેવામાં આવે છે કે દર્શકોના ઉત્સાહને જોઈને રોબર્ટ ડાઉની જુનિયરે ટ્રેલર ફરી ચલાવવાની વિનંતી કરી હતી.રોબર્ટ ડાઉની જુનિયરે કહ્યું, “સાચું કહું તો, આ અદ્ભુત ટીમ સાથે ફરી જોડાવાની મેં કલ્પના પણ નહોતી કરી, તે પણ એક નવા પાત્રમાં.”ક્રિસ ઇવાન્સ, જેમણે ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ (૨૦૧૯)માં પોતાનો સ્ટોરી આર્ક પૂર્ણ કરી દિધો હતો, તેમણે કહ્યું, “જ્યારે ખરેખર કોઈ મજબૂત કારણ હોય હું ત્યારે જ પાછો આવવા તૈયાર હતો—અને ‘ડૂમ્સડે’માં તે કારણ છે. હવે હીરોને સ્ટીવ રોજર્સની જરૂર છે.”‘એવેન્જર્સઃ ડૂમ્સડે’ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે, એ જ દિવસે ‘ડ્યૂન’ સીરિઝના ત્રીજા ભાગ સાથે ટકરાશે, જેને ‘ડ્યૂનસડે’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.

