Surendranagar તા.16
જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાપર ઓવરબ્રિજ પાસે પોલીસ વાનનું ટાયર ઓચિંતું નીકળી જતાં વાન પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત પાંચ પોલીસ કર્મીઓનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, સાયલા પોલીસની ટીમ હાઈવે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોટીલા નેશનલ હાઇવે પર શાપર ઓવર બ્રિજ પાસેથી પસાર થતી વખતે પોલીસ વાનનો ગુટકો તૂટી ગયો હતો. આ યાંત્રિક ખામીને કારણે ચાલુ ગાડીએ એક તરફનું ટાયર નીકળી ગયું હતું, જેને પગલે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી વાન સર્પાકારે રોડ પર રેલાઈને ઓવર બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પલટી ખાઈ ગયેલી વાનમાં ફસાયેલા પાંચેય પોલીસકર્મીઓને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં PSI સાંખટ તથા હેડ કોન્સ્ટેબલ ફારુકભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સદનસીબે અકસ્માત સમયે હાઈવે પર ટ્રાફિક ઓછો હોવાથી અન્ય કોઈ વાહન તેની અડફેટે આવ્યું ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. વાનમાં સવાર પીઆઇ ઉપાધ્યાય સહિત તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

