Mumbai, તા.૫
૨૦૦૬માં આવેલી કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલમાં મોટા ફેરફારો થયા છે. મૂળ ફિલ્મ ડિરેક્ટ કરનાર પ્રિયદર્શને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ‘માલામાલ વીકલી ૨’ સાથે જોડાયેલા નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “હું આ ફિલ્મ નથી કરી રહ્યો. મેં કોઈ પણ સિક્વલ ડિરેક્ટ નહીં કરવાનો નિર્ણય લીધો છે.” પ્રિયદર્શનના બદલે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના સહ-નિર્દેશક અમિત જોશી સિક્વલ ડિરેક્ટ કરશે. મૂળ ફિલ્મમાં રિતેશ દેશમુખે મહત્ત્વનો રોલ કર્યો હતો, પરંતુ અહેવાલો અનુસાર તે પણ સિક્વલમાં જોવા નહીં મળે. ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રના જણાવ્યા મુજબ, નવી ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.૨૦૦૬માં આવેલી ‘માલામાલ વીકલી’માં ગામના લોકો એક મૃત વ્યક્તિની લોટરી ટિકિટ શોધી કાઢે છે અને ઇનામની રકમ મેળવવા પ્રયાસ કરે છે. આ દરમિયાન સર્જાતી ગેરસમજ અને રમૂજી પરિસ્થિતિઓ ફિલ્મનું મુખ્ય આકર્ષણ હતી. સિક્વલમાં નવી સ્ટારકાસ્ટ અને વાર્તા સાથે ગામડાનું વાતાવરણ તથા કોમેડીનો મૂળ મિજાજ જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

