Gandhinagar, તા.8
ગુજરાત પોલીસમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની મળી કુલ 12472 જગ્યા માટે આજથી ફિઝિકલ પરીક્ષાનો આરંભ થયો છે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પંદર જિલ્લા, શહેરો અને એસઆરપી જૂથ સેન્ટર્સ ખાતે આવેલા ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા પોલીસ સંવર્ગમાં વિવિધ જગ્યામાં ભરતી માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયા વર્ષે ખાતરી આપવામાં આવી હતી અને તેના ભાગરૂપે 472 પુરુષ અને મહિલા બિન હથિયારી સબ ઈન્સ્પેક્ટર તેમજ 12,000 જેટલા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ, જેલ સિપાઈ (મહિલા-પુરૂષ)ની જગ્યા માટે પોલીસ ભરતી બોર્ડે પ્રક્રિયા શરૂ કરી હતી.
આ માટે ઉમેદવારોએ કરેલી અરજીઓના આધારે તેની ચકાસણીના અંતે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને રાજ્યના નિર્ધારિત પંદર જેટલા અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે 8મીથી ફિઝિકલ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ માટે બોલાવાયા છે.
બોર્ડના કહેવા પ્રમાણે, 11 ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારોને પરીક્ષા માટે પહોંચવાનું રહેશે. આ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર (બન્ને) માટે 8થી 31 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપવાની રહેશે. જ્યારે 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન માત્ર લોકરક્ષક માટે ભરતી થવા ઈચ્છુક અને કન્ફર્મ થયેલા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે જવાનું રહેશે.
રાજ્યના ચાર ગ્રાઉન્ડ પર માત્ર મહિલા તથા માજી સૈનિકો માટે તા.8થી 29 જાન્યુઆરી દરમિયાન ફક્ત સબ ઈન્સ્પેક્ટર તેમજ સબ ઈન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડર (બંન્ને) માટે પરીક્ષા આપવા જવાનુ રહેશે. જ્યારે લોકરક્ષક માટે તા.1 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન તેમજ માજી સૈનિકોએ તા.28 અને 29 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપવાની રહેશે.
આટલી વિશાળ સંખ્યામાં ઉમેદવારોની ફિઝિકલ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ થવાની હોવાથી દરેક ગ્રાઉન્ડ ખાતે ઈન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, તેમની મદદમાં કુલ 96 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે ડીઆઈજી, આઈજીપી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
શારીરિક માપ કસોટી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા માપણી કરવામાં આવશે. આ તમામ ગ્રાઉન્ડની ગતિવિધિના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે પોલીસ ભરતી બોર્ડની કચેરીએ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

