Vadodara,તા.17
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ પૂરજોશમાં છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગેલા છે. આ દરમિયાન ગઈકાલે વડોદરામાં પ્રચાર માટે પહોંચેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે લોકસભામાં પસાર થયેલા નારી શક્તિ વંદન અધિનિયમને ઐતિહાસિક પગલું ગણાવ્યું અને કહ્યું કે, રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં?
અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં? હર્ષ સંઘવીએ આગળ કહ્યું, લાલુ યાદવની પત્ની મુખ્યમંત્રી બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં? ગુજરાતની બહેનો અને દીકરીઓએ સાંસદ બનવું જોઈએ.
નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષને નિશાન બનાવતાં કહ્યું કે, પાર્ટી બદલીને વિપક્ષમાં જનારા લોકો હવે ઘર ભેગા થશે. ગુજરાતીઓને બદનામ કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે. તેમણે કોંગ્રેસ પર પણ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું, કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો તેમને શરમ આવવી જોઈએ.
હર્ષ સંઘવીએ આ બિલને માતા, બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો છે અને વિપક્ષના છાપરા પડી ગયા છે.

