૭.૫૦ લાખની લોનમાં ૧૬,૫૦૦ના ૮૪ હપ્તા ચૂકવ્યા, ૯.૯૬ લાખ બાકી દર્શાવ્યા સિનિયર સિટિઝનની ફરિયાદ ગ્રાહક આયોગે માન્ય રાખી, ૯ લાખ ૬% વ્યાજ સાથે પરત ચૂકવવા હુકમ
Rajkotતા.૧૪ઃ
કેથોલિક સિરિયન બેંકમાંથી શૈક્ષણિક લોનમા વધુ ઇએમઆઇ વસૂલવા અંગેની ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ આયોગે રૂપિયા નવ લાખ છ ટકા વ્યાજ સહિત સિનિયર સિટીઝનને ચૂકવવા બેંકને હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ વરિષ્ઠ નાગરિક અને શિક્ષણવિદ્? થેંકચન જોસ કૈથરથ દ્વારા પોતાની પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે કેથોલિક સિરિયન (સીએસબી) બેંક પાસેથી રૂ. ૭.૫૦ લાખની લોન લેવામાં આવી હતી. લોનની મંજૂરી વખતે રૂ. ૧૬,૫૦૦ના ૮૪ હપ્તા ચુકવણી કરવાની શરત હતી. દરમિયાન ફરિયાદીનો આક્ષેપ હતો કે તમામ હપ્તા ચૂકવી દીધા હોવા છતાં બેંકે પોતાની રીતે ખાતામાં મોટી બાકી રકમ દર્શાવી લોનની મુદત ૮૪ મહિનાથી વધારીને ૧૮૯ મહિના કરી નાખી ઇએમઆઇ કરાવાયા હતા. આથી સદગૃહસ્થ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદમાં એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે લોનની મૂળ શરતો મુજબ ચુકવણી થયા પછી પણ તા. ૩૧-૦૩-૨૦૨૪ના સ્ટેટમેન્ટમાં રૂ. ૯,૯૬,૭૩૮ની બાકી રકમ દર્શાવવામાં આવી હતી,
તે બાબતે વારંવાર રજૂઆતો તથા કાનૂની નોટિસ છતાં બેંક દ્વારા યોગ્ય સ્પષ્ટતા આપવામાં આવી નહોતી.આ બાબત અંગે આયોગે ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને બેંકના રેકોર્ડનું અવલોકન કરવામાં આવ્યું હતુંત્યારબાદ ગ્રાહક આયોગે ફરિયાદીનો મુખ્ય મુદ્દો સ્વીકારી અંતિમ હુકમમાં સામાવાળા બેંકને ફરિયાદી પાસે એજ્યુકેશન લોન અંગે વધારે વસુલી લીધેલ આશરે રૂ. ૯ લાખ જેટલી રકમ ૬% વ્યાજ સાથે લોનધારકને ચૂકવવા આદેશ કર્યો છે. આ રકમ ફરિયાદ દાખલ થયાની તારીખથી વસૂલાત સુધીના વ્યાજ સાથે ચૂકવવાની અને હુકમનું પાલન નિર્ધારિત સમયમર્યાદામાં કરવાની સૂચના આપવામાં આવી છે. હુકમનો ભંગ થાય તો ૯ % વ્યાજ લાગુ થવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કામમાં ફરિયાદી અરજદાર વતી એડવોકેટ ગજેન્દ્ર જાની રોકાયા હતા.

