કેસમાં અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓને પક્ષકાર બનાવવામાં આવ્યા
Mumbai, તા.૬
તેણે એઆઈ દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો, નકલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, અનધિકૃત રીતે તેની ઓળખના વ્યાવસાયિક ઉપયોગ અને તેની તસવીરોવાળા મર્ચેન્ડાઇઝના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ કોમર્શિયલ કેસમાં અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓ (જ્હોન ડો પ્રતિવાદીઓ)ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. શ્રુતિનો આરોપ છે કે આ તમામ તેનાં અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને હોસ્ટ અથવા પ્રસારિત કરવામાં સંકળાયેલા છે.જસ્ટિસ અભય આહુજાએ લેટર્સ પેટન્ટની કલમ હેઠળ શ્રુતિ હસનને આ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. કેસના કેટલાક મુદ્દાઓ બોમ્બે હાઈકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની બહાર આવતા હોવાથી આ મંજૂરી જરૂરી હતી. હવે આ મામલો વચગાળાની રાહત માટે જસ્ટિસ માધવ જામદાર સમક્ષ રજૂ થવાની શક્યતા છે.અરજીમાં શ્રુતિ હસને જણાવ્યું છે કે તેની મંજૂરી વિના તેનાં નામ, તસવીર અને ચહેરાનો ઉપયોગ કરીને એઆઈ આધારિત ડીપફેક અને મોર્ફ્ડ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં અન્ય કલાકારો સાથેનાં ખોટા રોમેન્ટિક સંબંધો દર્શાવતા વીડિયો, નકલી અશ્લીલ તસવીરો તેમજ જાતીય રીતે સ્પષ્ટ વીડિયો અને તસવીરોનો પણ સમાવેશ થાય છે. અરજીમાં જણાવાયું છે કે, “કેટલીક સંસ્થાઓ એઆઈ અને ડીપફેક ટેન્કોલોજીનો ઉપયોગ કરીને શ્રુતિ હસનના ચહેરાને મોર્ફ અથવા સુપરઇમ્પોઝ કરીને અશ્લીલ અને અપમાનજનક વીડિયો તથા તસવીરો બનાવી રહી છે.”શ્રુતિએ પોતાની ઓળખ અને વ્યક્તિત્વના ગેરકાયદે ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપવા હાઈકોર્ટને વિનંતી કરી છે. તેનાં મતે આવી સામગ્રી તેનાં વ્યક્તિત્વ, પબ્લિસિટી અને નૈતિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પ્રતિવાદીઓમાં મહાલક્ષ્મી આટ્ર્સ એન્ડ ક્રાફ્ટ વર્ક્સનું પણ નામ છે. કંપની પર ફ્લિપકાર્ટ પર શ્રુતિ હસનનાં નામ અને તસવીરવાળાં પોસ્ટર્સ તેની મંજુરી વિના વેચવાનો આરોપ છે. આ ઉપરાંત અનેક સેલિબ્રિટી બુકિંગ અને એન્ડોર્સમેન્ટ પ્લેટફોર્મ્સ, ફેશન અને જ્વેલરી વ્યવસાયો તેમજ યુટ્યુબ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને પિન્ટરેસ્ટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. શ્રુતિનો આરોપ છે કે આ પ્લેટફોર્મ્સ તેનાં અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને હોસ્ટ અથવા પ્રસારિત કરે છે. તેણે આવી તમામ સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવા અદાલતને વિનંતી કરી છે.અરજીમાં જણાવાયું છે કે હિન્દી, તમિલ, તેલુગુ અને અંગ્રેજી ફિલ્મો ઉપરાંત સંગીત અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા શ્રુતિ હસનના નામને વિશેષ વ્યાવસાયિક મૂલ્ય અને આગવી ઓળખ મળી છે. તેણે દલીલ કરી છે કે તેની જાહેર ઓળખ સાથે જોડાયેલાં નામ, તસવીર અને અન્ય ઓળખપાત્ર લક્ષણોનો કોઈપણ અનધિકૃત વ્યાવસાયિક ઉપયોગ તેનાં અધિકારોનાં ઉલ્લંઘન સમાન છે. શ્રુતિ હસને અદાલત સમક્ષ કાયમી પ્રતિબંધનો આદેશ, અજાણ્યા ઉલ્લંઘનકારો સામે, નુકસાનની ભરપાઈ તેમજ તેનાં નામ, તસવીર અને ઓળખના ગેરકાયદે ઉપયોગથી કમાયેલા નફાનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપવા પણ માંગ કરી છે.

