New Delhi,તા.31
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વધુ એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સંસદે દેશની પરીક્ષા પદ્ધતિને વધુ મજબૂત અને પારદર્શી બનાવતું મહત્વનું બિલ પસાર કરી દીધું છે.
વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક દાયકાઓથી દેશનું દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર પેપર લીકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. આ ગેરરીતિઓને કારણે લાખો નિર્દોષ બાળકોના ભવિષ્ય સામે મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં મોટા પાયે સુધારા કરવા અનિવાર્ય બની ગયા છે.
શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા મોદીએ કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમતી પેપર લીક ગેંગ અને પેપર માફિયાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. આવા ગુનાઓને રોકવા માટે જ દેશમાં કડક કાયદા લાવવામાં આવ્યા છે.
પરીક્ષાઓમાં ગડબડ રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવા, ફાસ્ટ ટ્રેક અદાલતો ઊભી કરવા અને તમામ રાજ્યોના સૂચનોને ધ્યાનમાં લેવા માટે સરકાર સતત પગલાં ભરી રહી છે. આવી અન્યાયી પરિસ્થિતિઓને લાંબા સમય સુધી ચાલવા દેવામાં નહીં આવે અને પરીક્ષા સુધારાનું આ કામ આગળ પણ સતત ચાલુ રહેશે.

