New York, તા.૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીનું શાસન ધરાવતા અમેરિકાના ૨૫ રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે બાયો ચડાવી છે અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ રાજ્યોએ ભારત સહિત ૬૦ જેટલા વેપારી ભાગીદાર દેશોમાંથી આવતી આયાત પર લાદવામાં આવેલા નવા અને આકરા ટેરિફનો સખત વિરોધ કરી તેને પડકાર્યો છે. આ કેસ હવે ટ્રમ્પની વેપાર નીતિઓ માટે એક મોટી કાનૂની કસોટી બની રહેશે.આ મામલે સોમવારે અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ‘યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ’માં સત્તાવાર રીતે દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ અરજીમાં ગયા મહિને અમેરિકન સરકાર દ્વારા લાદવામાં આવેલી ૧૦ થી ૧૨.૫ ટકા આયાત ડ્યૂટીને ગેરકાયદેસર ગણાવીને રદ કરવાની માંગ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, આ નવા ટેરિફ ૧૯૭૪ ના વેપાર અધિનિયમની ‘કલમ ૩૦૧’ હેઠળ લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન પોતાના બચાવમાં દાવો કરે છે કે આ ટેરિફ માત્ર એવા દેશો પર લાદવામાં આવી રહ્યા છે, જે બળજબરીથી મજૂરી કરાવીને ઉત્પાદનો બનાવે છે અને તે નિકાસ રોકવા માટે પૂરતા કડક પગલાં નથી લઈ રહ્યા.ઓરેગોન અને ન્યૂયોર્ક સહિતના ૨૫ રાજ્યો આ દલીલ માનવા બિલકુલ તૈયાર નથી. આ તમામ ૨૫ રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નર અથવા એટર્ની જનરલ સત્તામાં છે. આ રાજ્યોનો સીધો આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસન અદાલતોના અગાઉના ચુકાદાઓને અવગણી રહ્યું છે. અગાઉ કોર્ટે જે વ્યાપક આયાત ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા હતા, તેને જ હવે અલગ કાનૂની આધાર હેઠળ ફરીથી થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કલમ ૩૦૧ નો ઉપયોગ સામાન્ય રીતે માત્ર અન્યાયી વેપાર કરતા ચોક્કસ દેશો અથવા ઉદ્યોગો સામે જ થાય છે, નહીં કે વિશ્વના તમામ દેશો પર વ્યાપક ટેરિફ લાદવા માટે. બળજબરીથી કરાવાતી મજૂરીનો મુદ્દો માત્ર અગાઉ રદ કરાયેલા ટેરિફને ફરી લાગુ કરવા માટેનું એક બહાનું માત્ર છે.આ વિવાદાસ્પદ ટેરિફની જાહેરાત ૨૪ જુલાઈના રોજ કરવામાં આવી હતી. આ નવા નિયમો ભારત અને યુરોપિયન યુનિયન સહિત કુલ ૬૦ વેપારી ભાગીદાર દેશોમાંથી આયાત થતા સામાન પર લાગુ પડે છે. જોકે, રાહતની વાત એ છે કે કેટલાક દેશોએ બળજબરીથી થતી મજૂરી રોકવા માટે પોતાના કાયદા કડક બનાવ્યા હતા, જેના પરિણામે તેમના ટેરિફ દરમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત પર લાદવામાં આવેલો ટેરિફ ૧૨.૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યો છે.અગાઉ સુપ્રીમ કોર્ટ પણ આપી ચૂકી છે ઝટકોઆ કાનૂની જંગનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ જ વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ રાષ્ટ્રપતિને આખી દુનિયા પર વ્યાપક ટેરિફ લાદવાનો કોઈ વિશેષાધિકાર આપતો નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ, ટ્રમ્પ પ્રશાસને ૧૯૭૪ ના ટ્રેડ એક્ટની કલમ ૧૨૨ નો ઉપયોગ કરીને કામચલાઉ વૈશ્વિક ટેરિફ લાદ્યા હતા. પરંતુ બાદમાં યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડે તેને પણ ગેરકાયદેસર જાહેર કરી દીધા હતા. હવે કલમ ૩૦૧ ના ઉપયોગનો આ નવો વિવાદ પણ કોર્ટની ચોખટ સુધી પહોંચી ગયો છે.

