Thailand,તા.08
શાંતિના પ્રયાસો છતાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી મધ્યસ્થીથી માત્ર 45 દિવસ પહેલાં જ જે સીઝફાયર કરાર થયો હતો, તેને તોડીને થાઇલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર એર સ્ટ્રાઇક કરી છે. થાઇલેન્ડની સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇ સુવારીના સોમવારના નિવેદન મુજબ, થાઇલેન્ડે તેની વિવાદાસ્પદ સરહદ પર હવાઈ હુમલા કર્યા છે, જ્યારે બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
થાઇલેન્ડે કંબોડિયાની સરહદ પર હુમલા કરવા માટે F-16 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. થાઇ સેનાએ જાહેર કરેલા નિવેદન અનુસાર, ઉબોન રાચથાની પ્રાંતના પૂર્વીય વિસ્તારમાં થયેલી બે નવી અથડામણોમાં એક થાઇ સૈનિક શહીદ થયો અને અન્ય ચાર ઘાયલ થયા છે.આ સરહદી વિવાદ જુલાઈમાં પાંચ દિવસના સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ, અમેરિકન પ્રલુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે યુદ્ધવિરામ કરાર કરાવ્યો હતો. ઑક્ટોબરમાં કુઆલાલંપુરમાં યોજાયેલા એક મોટા યુદ્ધવિરામ કરાર પર થયેલા હસ્તાક્ષરના ટ્રમ્પ સાક્ષી બન્યા હતા, તેમ છતાં આ યુદ્ધવિરામ બે મહિના કરતાં પણ ઓછો સમય ટક્યો.
થાઇ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇના જણાવ્યા મુજબ, સોમવારે વહેલી સવારે 5.05 વાગ્યે ઉબોન રાચથાની પ્રાંતના ચોંગ આન મા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ. કંબોડિયાના સૈનિકોએ નાના અને પરોક્ષ-ફાયર હથિયારોથી ગોળીબાર શરૂ રાખ્યો હતો.
રોયલ થાઇ એર ફોર્સ(RTAF)ના પ્રવક્તા એર માર્શલ જૈક્રિટ થમ્માવિચઈએ જણાવ્યું કે આ ઓપરેશન સુરનારી ટાસ્ક ફોર્સ સાથે મળીને કરવામાં આવ્યું. આ કાર્યવાહી કંબોડિયાની લશ્કરી કાર્યવાહીના જવાબમાં હતી, જેનાથી થાઇલેન્ડની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને સીધો ખતરો હતો.
થાઇ સેનાએ દાવો કર્યો છે કે કંબોડિયાએ સરહદ પર ભારે હથિયારો અને લડાકુ યુનિટ્સ તૈનાત કર્યા હતા. આ ગતિવિધિઓથી થાઇ સરહદ વિસ્તાર માટે ખતરો પેદા થઈ શકે તેમ હતો. તેથી, કંબોડિયાની સૈન્ય ક્ષમતાઓને રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે હવાઈ તાકાતનો ઉપયોગ કરવો જરૂરી બન્યો.કંબોડિયાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ મેલી સોચિયાટાએ જણાવ્યું કે હુમલા 8 ડિસેમ્બરે સવારે 5:04 વાગ્યે આન સેસ વિસ્તારમાં શરૂ થયા. થાઇ સેનાએ પ્રીહ વિહાર મંદિર સહિતના અનેક વિસ્તારો તરફ દારૂગોળા વરસાવ્યા, જેને કંબોડિયાએ ઉશ્કેરણી બાદનો સંકલિત હુમલો ગણાવ્યો.
મંત્રાલયે કહ્યું કે, આ હુમલો થાઇ સેના દ્વારા થયેલી ઘણી ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ પછી થયો હતો. જોકે, બે અલગ-અલગ હુમલાઓ છતાં કંબોડિયાની સેનાએ મહત્તમ સંયમ જાળવ્યો, વળતો ગોળીબાર ન કર્યો અને શાંતિપૂર્ણ સમાધાનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. કંબોડિયાઈ કમાન્ડર પરિસ્થિતિ પર સંપૂર્ણ સતર્કતા અને સાવધાનીથી નજર રાખી રહ્યા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 45 દિવસ પહેલાં જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સીમા વિવાદમાં સીઝફાયર કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના 2025માં બની હતી, જ્યારે જુલાઈના અંતમાં સરહદ પર અથડામણો થઈ. ટ્રમ્પે 26 જુલાઈ, 2025ના રોજ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને વેપારના દબાણની ધમકી આપીને તાત્કાલિક સીઝફાયર માટે રાજી કર્યા. ત્યારબાદ 28 જુલાઈ, 2025થી સીઝફાયર પ્રભાવી થઈ ગયો. તેની ઔપચારિક ઘોષણા અને વિસ્તૃત કરાર 26 ઑક્ટોબર, 2025ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન થયો, જ્યાં ટ્રમ્પ પણ સામેલ હતા.

