Rajkot,તા.15
પડધરીમાં આવેલ ક્રેડન સોલાર નામના કારખાનામાં ગઇકાલે લિફટમાં માથુ ફસાઇ જતાં અલ્પેશ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)નું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. પડધરી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૃતક અને તેનો નાનો ભાઈ સાથે જ કામ કરતા હતા, મૂળ જામકંડોરણાના રોઘેલ ગામનો વતની
પડધરી પોલીસે જણાવ્યું કે જામકંડોરણાના રોઘેલ ગામનો વતની અલ્પેશ અને તેનો નાનો ભાઈ દર્શિત બંને છેલ્લા એક વર્ષથી ક્રેડન સોલાર નામના કારખાનામાં કામ કરતા હતા અને કારખાનામાં જ રહેતા હતાં. તેમના માતા-પિતા હયાત નથી. ત્રણ બહેનો છે જેના લગ્ન થઇ ગયાં છે.
ગઇકાલે અલ્પેશ લોડીંગ વિભાગમાં લિફટમાં સામાન ભરી બીજા માળે જતો હતો. બીજા માળે લિફટ પહોંચવા આવતાં જોવા માટે તેણે માથુ બહાર કાઢતાં તે લિફટ અને લોખંડના એન્ગલ વચ્ચે ફસાઇ જતાં ગંભીર ઇજા સાથે તેને પ્રથમ પડધરીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાર પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.