‘અન્નદભવંતિ ભૂતાની’–પ્રાણોને ધારણ કરવા માટે જે ખાવામાં આવે છે તેને ‘અન્ન’ કહેવામાં આવે છે.જે પ્રાણીનો જે ખોરાક છે,જેને ગ્રહણ કરવાથી તેના શરીરની ઉત્પત્તિ,પોષણ અને પૃષ્ટિ થાય છે તેને જ અહી અન્નના નામે ઓળખાવ્યું છે,જેમકે માટીનો કીડો માટી ખાઇને જીવે છે તો માટી જ તેના માટે અન્ન છે. અન્નમાંથી પ્રાણી સૃષ્ટિ થાય છે એ વાત બરાબર કહેવાય.પ્રત્યેક પ્રાણીને કોઇને કોઇ આહાર જોઇએ અને પ્રાણી પોતે પણ કોઇને કોઇ રીતે કોઇનો આહાર થઇ જતું હોય છે.જે સહજ રીતે મૃત્યુ પામ્યું હોય છે તે મડદું લાંબો સમય પડી રહે તો તેમાં કીડા પડી જાય છે અને કીડાઓ તે મડદાને ખાય જાય છે એટલે અન્નથી પ્રાણી સૃષ્ટિ થાય છે અને જીવે છે તે વાત બરાબર કહેવાય.
જરાયુજ એટલે મનુષ્ય-પશુ વગેરે,ઉદભિજ્જ એટલે વૃક્ષો વગેરે,અંડજ એટલે પક્ષી,સાપ,કીડી વગેરે તથા સ્વેદજ એટલે જૂ વગેરે-આ ચાર પ્રકારના પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઇને અન્નથી જ જીવિત રહે છે.
પર્જન્યદન્નસંભવ:’– પર્જન્ય એટલે વરસાદથી અન્ન ઉગે છે તે પણ સાચું છે.પર્જન્યનો વ્યાપક અર્થ કરવાનો છે.પાણીથી અન્ન વગેરે ઉગી નીકળે છે.નહેર-કૂવા વગેરેનું પાણી પણ પર્જન્યમાં આવી ગયું કારણ કે તે પાણી પણ પરંપરાથી પર્જન્ય દ્વારા જ થયું હોય છે.સમસ્ત ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ જળથી થાય છે. ઘાસ-પાન,અનાજ વગેરે તો જળથી થાય જ છે,માટીના ઉત્પન્ન થવામાં પણ જળ જ કારણ છે.અન્ન,જળ, વસ્ત્ર,મકાન વગેરે શરીરનિર્વાહની બધી જ સામગ્રી સ્થૂળ કે સુક્ષ્મરૂપે જળ સાથે સબંધ રાખે છે અને જળનો આધાર વર્ષા છે.
‘યજ્ઞદ્ભવતિ પર્જન્ય:’ ‘યજ્ઞ’ શબ્દ મુખ્યરૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે પરંતુ ગીતાના સિદ્ધાંત અને કર્મયોગના પ્રસ્તુત પ્રકરણ અનુસાર અહી ‘યજ્ઞ’ શબ્દનો અર્થ સઘળાં કર્તવ્યકર્મોનો ઉપલક્ષક છે. યજ્ઞમાં ત્યાગની જ પ્રધાનતા હોય છે.આહૂતિ આપવામાં અન્ન-ઘી વગેરે ચીજોનો ત્યાગ છે,દાન કરવામાં વસ્તુનો ત્યાગ છે,તપ કરવામાં પોતાના સુખભોગનો ત્યાગ છે,કર્તવ્યકર્મ કરવામાં પોતાના સ્વાર્થ-આરામ વગેરેનો ત્યાગ છે.આથી ‘યજ્ઞ’ શબ્દ હવન,દાન,તપ વગેરે તમામ શાસ્ત્રવિહિત ક્રિયાઓનો ઉપલક્ષક છે.યજ્ઞ શબ્દનો અર્થ માત્ર આહૂતિ આપનારો યજ્ઞ એવો ના કરતાં જેમાં કાર્યકારણભાવ સ્થાપિત થઇ શકે તેવો કરવો જોઇએ.ભારતમાં હિન્દુ પ્રજા સિવાય બીજા કોઇ યજ્ઞો કરતા નથી તો પણ વરસાદ થાય છે.સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થતો હોવાનું કહેવાય છે,પણ ત્યાં આસામમાં યજ્ઞો થતા નથી.આ સિવાય વિશ્વના બીજા ભાગો જેવા કે આફ્રિકા,યુરોપ,અમેરીકા,રશિયા વગેરે દેશોમાં કોઇ યજ્ઞો કરતા નથી એટલે ત્યાં યજ્ઞો વિના પણ વરસાદ થાય છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં એક કથા આવે છે.પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતા,મનુષ્ય અને અસુર-આ ત્રણેયનું સર્જન કર્યા પછી તેમને ‘દ’ આ અક્ષરનો ઉપદેશ આપ્યો.દેવતાઓની પાસે ભોગસામગ્રીની અધિકતા હોવાના કારણે તેઓ ‘દ’ નો અર્થ ‘દમન’ સમજ્યા,મનુષ્યોમાં સંગ્રહની પ્રવૃત્તિ અધિક હોવાના કારણે તેઓ ‘દ‘ નો અર્થ ‘દાન‘ કરો સમજ્યા.સમજ્યા.અસુરોમાં હિંસા,બીજાઓને કષ્ટ આપવાનો ભાવ અધિક હોવાના કારણે તેઓ “દ” નો અર્થ દયા કરો સમજ્યા.આ રીતે દેવતા-મનુષ્ય અને અસુર ત્રણેને આપવામાં આવેલા ઉપદેશનું તાત્પર્ય બીજાઓનું હિત કરવામાં જ છે.વરસાદના સમયે મેઘ ‘દ..દ..દ’ ની ગર્જના કરે છે તે આજે પણ બ્રહ્માજીના ઉપદેશ “દમન કરો,દાન કરો,દયા કરો” ના રૂપે કર્તવ્યકર્મોની યાદ અપાવે છે.(બૃહદારણ્યકઃ૫/૨/૧/૩)
પોતાના કર્તવ્યકર્મનું પાલન કરવાથી વર્ષા કેવી રીતે થશે? વચનની અપેક્ષાએ પોતાના આચરણની અસર બીજાઓ ઉપર સ્વાભાવિક રીતે અધિક પડે છે.મનુષ્ય પોતપોતાનાં કર્તવ્યકર્મોનું પાલન કરશે તો તેની અસર દેવતાઓ ઉપર પણ પડશે,જેથી તેઓ પણ પોતાના કર્તવ્યનું પાલન કરશે,વર્ષા વરસાવશે.આ વિશે એક વાર્તા છે.એક ખેડૂતનાં ચાર બાળકો હતાં.અષાઢ મહિનો આવવા છતાં પણ વર્ષા ના થઇ તો તેમને વિચાર કર્યો કે ખેતર ખેડવાનો સમય આવી ગયો છે,વર્ષા ના થઇ તો કંઇ નહી આપણે તો સમયસર આપણા કર્તવ્યનું પાલન કરી દઇએ-એવું વિચારીને તેમને ખેતરમાં જઇને હળ ચલાવવાનું શરૂ કરી દીધું. મોરલાઓને તેમને હળ ચલાવતાં જોયા તો વિચાર્યુ કે વાત શું છે? વર્ષા તો હજુ થઇ નથી તો પછી આ હળ શા માટે ચલાવી રહ્યા છે? જ્યારે તેઓને ખબર પડી કે તેઓ તો પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે ત્યારે મોરલાઓએ વિચાર્યું કે અમે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પાછળ કેમ રહીએ? એવું વિચારીને મોર પણ ટહુકવા લાગ્યા.મોરનો અવાજ સાંભળીને મેઘોએ વિચાર કર્યો કે આજે અમારી ગર્જના સાંભળ્યા વિના મોર કેવી રીતે ટહુકી રહ્યા છે? બધી વાતની ખબર પડતાં તેઓએ વિચાર્યું કે અમે પોતાના કર્તવ્ય પાલનમાંથી કેમ પાછા હટીએ? અને તેઓએ પણ ગર્જના કરવી શરૂ કરી દીધી.મેઘોની ગર્જના સાંભળીને ઇન્દ્રે વિચાર્યું કે શી વાત છે? જ્યારે તેને ખબર પડી કે તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે ત્યારે તેમને વિચાર્યું કે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં હું પાછળ કેમ રહું? એવું વિચારીને ઇન્દ્રે પણ મેઘોને વર્ષા કરવાની આજ્ઞા આપી દીધી !
યજ્ઞ: કર્મસમુદ્ભવ: નિષ્કામભાવપૂર્વક કરવામાં આવનારાં લૌકિક અને શાસ્ત્રીય બધાં જ વિહિત કર્મોનું નામ યજ્ઞ છે.બ્રહ્મચારીના માટે અગ્નિહોત્ર કરવો એ યજ્ઞ છે,એવી જ રીતે સ્ત્રીઓના માટે રસોઇ બનાવવી એ યજ્ઞ છે.સ્ત્રીઓના માટે વૈવાહિક વિધિનું પાલન એ જ વૈદિક સંસ્કાર(યજ્ઞોપવિત),વિત),પતિની સેવા એ જ વેદાધ્યયન અને ગૃહકાર્ય એ જ અગ્નિહોત્ર યજ્ઞ કહેવામાં આવ્યો છે.વિધાર્થી પોતાના અધ્યયનને અને પોતાના વેપારને જો તે ફક્ત બીજાઓના હિતના માટે નિષ્કામભાવથી કરવામાં આવે તો યજ્ઞ માની શકે છે. આ રીતે વર્ણ,આશ્રમ,સ્થળ અને કાળની મર્યાદા રાખીને નિષ્કામભાવે કરવામાં આવેલાં બધાં જ શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મો યજ્ઞ રૂપ હોય છે.યજ્ઞ કોઇપણ પ્રકારનો હોય ક્રિયાજન્ય જ હોય છે.કામના,મમતા,આસક્તિ, પક્ષપાત,વિષમતા,સ્વાર્થ,અભિમાન વગેરે કર્મો વિષ સમાન છે.કર્મોના વિષયુક્ત ભાગને કાઢી નાખવાથી તે કર્મો અમૃતમય બનીને જન્મ-મરણરૂપી મહાન રોગને દૂર કરવાવાળાં બની જાય છે.આવાં અમૃતમય કર્મો જ યજ્ઞ કહેવાય છે.
યજ્ઞ: કર્મસમુદ્ભવ: એટલે પ્રયોગશાળામાં થનારા પ્રયોગો એવો અર્થ કરવો જોઇએ.સ્વાહા..સ્વાહા કરીને માત્ર આહૂતિઓ આપવાનું નામ કર્મસમુદ્ભવ: ન કહી શકાય.પ્રયોગશાળા વેદી છે અને વૈજ્ઞાનિકો હોતા છે. વૈજ્ઞાનિકો પોતાની બુદ્ધિ-પ્રતિભાનો હોમ કરે છે તે કર્મસમુદ્ભવ: છે.આવા કર્મસમુદ્ભવ: થી યજ્ઞ થાય છે તેવું માનવું ઠીક છે.હોમ,હવન,યજ્ઞ વગેરે કર્મકાંડોથી જ બધું પ્રાપ્ત થઇ જાય છે તેવી ધારણા દ્રઢ કરીને લોકોને સ્વાહા..સ્વાહા કરતા કરી દેવાથી પ્રયોગશાળા અને વિજ્ઞાનની ઉપેક્ષા થતી રહી છે.પશ્ચિમમાં આવા યજ્ઞો થતા નથી તેથી લોકોએ પ્રયોગશાળામાં પ્રશ્નો ઉકેલવા શરૂ કર્યા પરીણામે તે સુપર પ્રજા થઇ ગઇ.આપણા પછાતપણામાં વિજ્ઞાનની ઉપેક્ષા અને કર્મકાંડોથી બધી સિદ્ધિ થઇ જાય છે તેવી માન્યતાએ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમાં હવે પરીવર્તન થવું જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

