સંસારથી સબંધ વિચ્છેદ કરવા માટે જે પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી તે મનુષ્યની પૂર્વશ્ર્લોક માં આકરી ટીકા કરવામાં આવી છે પરંતુ જેણે પોતાના કર્તવ્યનું પાલન કરીને સંસારથી સબંધ વિચ્છેદ કરી લીધો છે તે મહાપુરૂષની સ્થિતિનું વર્ણન ભગવાન આગળના બે શ્ર્લોક(૨/૧૭-૧૮)માં કરતાં કહે છે કે..
યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે
પરંતુ જે માણસ આત્મામાં જ રમનારો,આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ છે તેના માટે કોઇ કર્તવ્ય બાકી રહેતું નથી.
આત્મરતિ એટલે પોતાને પ્રાપ્ત થયેલા ન્યાય-નીતિપૂર્વકના હક્કના પદાર્થોમાં જ તૃપ્તિ માનનારો છે તે.આત્મા એટલે જીવાત્મા.તેમાં જ રતિ રાખનાર વ્યક્તિ પણ આત્મરતિ કહેવાય પણ આવી રતિ સ્થાઇ અને સ્થિર હોતી નથી.શારીરિક અને બીજી જીવનની આવશ્યકતા અને તે તે પદાર્થોની ઇચ્છા કરાવશે.આ હોય તો સારૂં-એવી વૃત્તિ થશે પણ ન્યાયનીતિથી પ્રાપ્ત પદાર્થોમાં રતિ રહે તો જીવનની આવશ્યકતાઓ પુરી થઇ જાય,તે જ વ્યક્તિ આત્મતૃપ્ત પણ થાય.આત્મતૃપ્તિથી આનંદના ઓડકાર આવે છે.આવી વ્યક્તિને પ્રાપ્ત પદાર્થોમાં જ સંતોષ થઇ જાય તો તે બીજાની ઇર્ષા ના કરે.આ રીતે જે આત્મતૃપ્ત માણસ છે તેને કશું કરવાનું રહેતું નથી કારણ કે કશું મેળવવાની જરૂર જ નથી.
જ્યાંસુધી મનુષ્ય પોતાનો સબંધ સંસાર સાથે માને છે ત્યાંસુધી તે પોતાની રતિ(પ્રિતિ) ઇન્દ્રિયોના ભોગોથી તેમજ સ્ત્રી,પૂત્ર,પરીવાર વગેરેથી,તૃપ્તિ ભોજનથી તથા સંતુષ્ટિ ધનથી માને છે પરંતુ આનાથી તેની પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ ન તો ક્યારેય પુરી થાય છે અને ન નિરંતર રહે છે કારણ કે સંસાર પ્રતિક્ષણ પરિવર્તનશીલ,જડ અને નાશવાન છે તથા સ્વયં સદાય રહેવાવાળો,ચેતન અને અવિનાશી છે.તાત્પર્ય એ છે કે સ્વયંનો તો સંસારની સાથે લેશમાત્ર પણ સબંધ નથી.આથી સ્વયંની પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ સંસારથી કેવી રીતે થઇ શકે?
કોઇપણ મનુષ્યની પ્રિતિ હંમેશાંના માટે સંસારમાં રહેતી નથી.લગ્ન પ્રસંગે સ્ત્રી અને પુરૂષમાં જે પ્રિતિ કે આકર્ષણ પ્રતીત થાય છે તે એક-બે સંતાનો થયા પછી રહેતાં નથી.ક્યાંક-ક્યાંક તો સ્ત્રીઓ પોતાના વૃદ્ધ પતિને માટે ત્યાંસુધી કહી દે છે કે ડોસો મરી જાય તો સારૂં છે ! ભોજન કરવાથી પ્રાપ્ત તૃપ્તિ પણ થોડા સમય માટે જ પ્રતીત થાય છે,મનુષ્યને ધનપ્રાપ્તિમાં જે સંતુષ્ટિ પ્રતીત થાય છે તે પણ ક્ષણિક હોય છે કેમકે ધનની લાલસા સદા ઉત્તરોત્તર વધતી જાય છે એટલા માટે ઉણપ નિરંતર ચાલુ રહે છે.તાત્પર્ય એ છે કે સંસારમાં પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ ક્યારેય સ્થાયી રહી શકતી નથી.
મનુષ્યને સાંસારીક વસ્તુઓમાં પ્રિતિ-તૃપ્તિ અને આસક્તિની કેવળ પ્રતીતિ થાય છે,વાસ્તવમાં થતી નથી.જો થતી હોત તો ફરીથી અરતિ,અતૃપ્તિ તેમજ અસંતુષ્ટિ ના થાત.સ્વરૂપથી પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ સ્વતઃસિદ્ધ છે.સ્વરૂપ સત્ છે,સતમાં ક્યારેય કોઇ અભાવ હોતો નથી અને અભાવ વિના કામના પેદા થતી નથી એટલા માટે સ્વરૂપમાં નિષ્કામતા સ્વતઃસિદ્ધ છે પરંતુ જ્યારે જીવ ભૂલથી સંસારની સાથે પોતાનો સબંધ માની લે છે ત્યારે તે પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિને સંસારમાં શોધવા લાગે છે અને તેને માટે સાંસારીક વસ્તુઓની કામના કરવા લાગે છે.કામના કર્યા પછી જ્યારે તે વસ્તુ,ધન વગેરે મળે છે ત્યારે મનમાં રહેલી કામના નીકળી ગયા પછી બીજી કામના પેદા થતાં પહેલાં તેની અવસ્થા નિષ્કામ થઇ જાય છે અને તે જ નિષ્કામતાનું તેને સુખ થાય છે પરંતુ તે સુખને મનુષ્ય ભૂલથી સાંસારીક વસ્તુની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલું માની લે છે તથા તે સુખને જ પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિને નામે ઓળખે છે.જો વસ્તુની પ્રાપ્તિથી તે સુખ મળતું હોત તો તેના મળ્યા પછી,તે વસ્તુ રહેતાં સદા સુખ રહેત,દુઃખ ક્યારેય ના થાત અને ફરીથી વસ્તુની કામના ઉત્પન્ન ન થાત પરંતુ સાંસારિક વસ્તુઓથી ક્યારેય પૂર્ણ,સદાને માટે પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત ન થઇ શકવાના કારણે તથા સંસાર સાથે મમતાનો સબંધ ચાલુ રહેવાના કારણે તે ફરીથી નવી-નવી કામનાઓ કરવા લાગે છે.કામના ઉત્પન્ન થતાં પોતાનામાં અભાવનો તથા કામ્ય વસ્તુ મળતાં પોતાનામાં પરાધીનતાનો અનુભવ થાય છે,આથી કામનાવાળો મનુષ્ય સદા દુઃખી રહે છે.
અહી એ વાત ધ્યાન આપવા જેવી છે કે સાધક તો તે સુખનું મૂળ કારણ નિષ્કામતાને માને છે અને દુઃખોનું કારણ કામનાને માને છે પરંતુ સંસારમાં આસક્ત મનુષ્ય વસ્તુઓની પ્રાપ્તિથી સુખ માને છે અને વસ્તુઓની અપ્રાપ્તિથી દુઃખ માને છે.જો આસક્ત મનુષ્ય પણ સાધકની જેમજ યથાર્થ દ્રષ્ટિથી જુવે તો તેને શીઘ્ર જ સ્વતઃસિદ્ધ નિષ્કામતાનો અનુભવ થઇ શકે છે.
સકામ મનુષ્યને કર્મયોગનો અધિકારી કહેવામાં આવે છે.સકામ મનુષ્યની પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ સંસારમાં હોય છે.આથી કર્મયોગ દ્વારા સિદ્ધ નિષ્કામ મહાપુરૂષોની સ્થિતિનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે તેઓની પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ સકામ મનુષ્યોની જેમ સંસારમાં ન હોઇને પોતાના સ્વરૂપમાં જ થઇ જાય છે,જે સ્વરૂપતઃ પહેલેથી જ છે.(ગીતાઃ૨/૫૫)
વાસ્તવમાં પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ-ત્રણેય અલગ અલગ ન હોવા છતાં પણ સંસારના સબંધથી અલગ અલગ પ્રતીત થાય છે,એટલા માટે સંસારથી સબંધ વિચ્છેદ થતાં તે મહાપુરૂષની પ્રિતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ-ત્રણેય એક જ તત્વ(સ્વરૂપ)માં સમાઇ જાય છે.
તસ્ય કાર્યં ન વિદ્યતે-મનુષ્યને માટે જે કોઇ કર્તવ્યકર્મનું વિધાન કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ્ય પરમ કલ્યાણસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે.કોઇપણ સાધન કર્મયોગ,જ્ઞાનયોગ કે ભક્તિયોગ દ્વારા ઉદ્દેશ્યની સિદ્ધિ થઇ જતાં મનુષ્યના માટે કંઇપણ કરવાનું,જાણવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી,જે મનુષ્ય જીવનની પરમ સફળતા છે.મનુષ્યના વાસ્તવિક સ્વરૂપમાં સહેજપણ અભાવ ન રહેવા છતાં પણ જ્યાંસુધી તે સંસારના સબંધને કારણે પોતાનામાં અભાવ સમજીને અને શરીરને હું તથા મારૂં માનીને પોતાના માટે કર્મ કરતો રહે છે ત્યાંસુધી તેના માટે કર્તવ્ય શેષ રહે જ છે પરંતુ જ્યારે તે પોતાના માટે કંઇ પણ ન કરીને બીજાઓના માટે એટલે કે શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ પ્રાણોને માટે માતા-પિતા,સ્ત્રી,પૂત્ર પરીવારના માટે,સમાજના માટે,દેશના માટે અને જગતના માટે સઘળાં કર્મો કરે છે ત્યારે તેનો સંસારથી સબંધ વિચ્છેદ થતાં તેનું પોતાના માટે કોઇ કર્તવ્ય શેષ રહેતું નથી કારણ કે સ્વરૂપમાં કોઇપણ ક્રિયા થતી નથી,જે કંઇ ક્રિયા થાય છે તે સંસારના સબંધથી જ થાય છે અને સાંસારીક વસ્તુ દ્વારા જ થાય છે.આથી જેઓનો સંસાર સાથે સબંધ છે તેઓના માટે કર્તવ્ય છે.
કર્મ ત્યારે થાય છે જ્યારે કંઇને કંઇ મેળવવાની કામના થાય છે અને કામના પેદા થાય છે-અભાવથી. સિદ્ધ મહાપુરૂષમાં કોઇ અભાવ હોતો જ નથી પછી તેમને માટે કરવાનું કેવું? કર્મયોગ દ્વારા સિદ્ધ મહાપુરૂષની રતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ જ્યારે પોતાની જાતમાં જ સમાઇ જાય છે ત્યારે કૃતકૃત્ય,જ્ઞાત-જ્ઞાતવ્ય અને પ્રાપ્ત-પ્રાપ્તવ્ય થઇ જવાથી તે વિધિ-નિષેધથી પર થઇ જાય છે.જો કે તેના ઉપર શાસ્ત્રનું શાસન રહેતું નથી તો પણ તેની સમસ્ત ક્રિયાઓ સ્વાભાવિક જ શાસ્ત્રાનુકૂળ અને બીજાઓના માટે આદર્શરૂપ હોય છે.અહી તસ્ય કાર્યં ન વિદ્યતે પદોનો અભિપ્રાય એ નથી કે તે મહાપુરૂષ દ્વારા કોઇ ક્રિયા થતી જ નથી. કંઇપણ કરવાનું શેષ ન રહેવા છતાં પણ તે મહાપુરૂષ દ્વારા લોકસંગ્રહના માટે ક્રિયાઓ આપોઆપ થાય છે. જેવી રીતે પાંપણોનું ઉચું-નીચું થવું,શ્વાસોનું આવવું-જવું,ભોજનનું પચવું વગેરે ક્રિયાઓ આપોઆપ પ્રકૃતિમાં થાય છે,તેવી જ રીતે મહાપુરૂષ દ્વારા બધી શાસ્ત્રાનુકૂળ આદર્શરૂપ ક્રિયાઓ પણ કર્તૃત્વાભિમાન ન હોવાના કારણે આપોઆપ થાય છે.
કર્મયોગી નિઃસ્વાર્થભાવથી સંસારની સેવા માટે જ બધાં કર્મ કરે છે.જેમ ગંગાજળથી જ ગંગાજીનું પૂજન કરવામાં આવે છે તેવી જ રીતે સંસાર પાસેથી મળેલાં શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહમ્ ને સંસારની સેવામાં લગાડી દેવાથી ચિન્મય સ્વરૂપ શેષ રહી જાય છે તેથી તેની પ્રિતિ,તૃપ્તિ અને સંતુષ્ટિ સ્વરૂપમાં જ થાય છે.સાંસારીક વિધિ-નિષેધ બંન્ને વાસ્તવમાં નિષેધ જ છે કારણ કે તે બંન્નેય રહેવાવાળાં નથી,તેથી સંસારથી સબંધ વિચ્છેદ થયા પછી કર્મયોગી માટે કોઇ વિધિ-નિષેધ રહેતું જ નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

