ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી મનુષ્યનું પતન થઇ જાય છે-એવું કેમ? તેનો જવાબ ભગવાન આગળના શ્ર્લોક(૩/૩૩)માં આપતાં કહે છે..
સદ્રશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ
(ભૂતાનિ-સર્વ પ્રાણીઓ, પ્રકૃતિમ્-પ્રકૃતિને, યાન્તિ-પ્રાપ્ત થાય છે, જ્ઞાનવાન્-જ્ઞાની મહાપુરૂષ, અપિ-પણ, સ્વસ્યાઃ-પોતાની, પ્રકૃતે-પ્રકૃતિ, સદ્રશં-અનુસાર, ચેષ્ટતે-ચેષ્ટા કરે છે પછી એમાં કોઇનો, નિગ્રહઃ-દુરાગ્રહ, કિમ્-શા, કરિષ્યતિ-કામનો?)
સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે,જ્ઞાની મહાપુરૂષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે પછી એમાં કોઇનો દુરાગ્રહ શા કામનો?
આ શ્ર્લોકમાં પ્રકૃતિ શબ્દ સ્વભાવના અર્થમાં છે.પ્રત્યેક વ્યક્તિનો પોતપોતાનો અલગ-અલગ સ્વભાવ હોય છે.સ્વભાવ શામાંથી બને છે? સ્વભાવનું નિર્માણ માણસના હાથમાં નથી,હોત તો કોઇ દુષ્ટ સ્વભાવનો માણસ જ ના હોત.માત્ર આનુવંશિકતાથી જ સ્વભાવ ઘડાય છે તેવું પણ નથી.એક જ માતાપિતાનાં જુદાંજુદાં બાળકોનો જુદોજુદો સ્વભાવ હોય છે,અરે ! તદ્દન ભિન્ન સ્વભાવ હોય છે.સ્વભાવ એ જ વ્યક્તિનું વ્યક્તિત્વ છે અને વ્યક્તિત્વ પ્રમાણે લોકો પ્રવૃત્તિ કરતા હોય છે.ગીતા કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની બંન્નેના બાહ્યાચાર તો સરખા હોય છે પણ બંન્નેની અવસ્થા જુદીજુદી હોય છે.ભોજન બંન્ને એકસાથે બેસીને સમાન રીતે કરે છે પણ બંન્નેની અવસ્થા જુદીજુદી હોય છે.એક લોલૂપ થઇને ભોગો ઉપર તૂટી પડે છે,બીજો સ્વસ્થ રહીને પ્રભુનો પ્રસાદ સમજીને આરોગે છે.એકના માટે તે ભોગક્રિયા છે,બીજાના માટે તે પ્રસાદ છે અને સાધના-ઉપાસના છે.
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ-જેટલાં પણ કર્મ કરવામાં આવે છે તે સ્વભાવ અને સિદ્ધાંત સામે રાખીને કરવામાં આવે છે.સિદ્ધાંત તે છે જે શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞા અનુસાર હોય.શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞાથી વિપરીત સિદ્ધાંત માન્ય નથી.સ્વભાવ બે પ્રકારનો હોય છેઃરાગ-દ્વેષ રહિત અને રાગ-દ્વેષયુક્ત.જેવી રીતે રસ્તામાં ચાલતાં કોઇ પાટીયું જોવામાં આવ્યું અને તેના ઉપર લખેલું વાંચી લીધું તો એ વાંચવું ન તો રાગ-દ્વેષથી થયું અને ન કોઇ સિદ્ધાંતથી,પરંતુ રાગ-દ્વેષરહિત સ્વભાવથી આપમેળે થયું.કોઇ મિત્રનો પત્ર આવતાં તેને રાગપૂર્વક વાંચીએ અને શત્રુનો પત્ર આવતાં તેને દ્વેષપૂર્વક વાંચીએ તો આ વાંચવું રાગ-દ્રેષયુક્ત સ્વભાવથી થયું.ગીતા,રામાયણ..વગેરે સતશાસ્ત્રોને વાંચવાં એ ‘સિદ્ધાંત’થી વાંચવું થયું.મનુષ્યજન્મ પરમાત્માપ્રાપ્તિના માટે છે,આથી પરમાત્માપ્રાપ્તિના ઉદ્દેશ્યથી કર્મ કરવું એ પણ સિદ્ધાંતના અનુસાર કર્મ કરવું કહેવાય.
આ રીતે જોવું,સાંભળવું,સુંઘવું,સ્પર્શ કરવો વગેરે તમામ ક્રિયાઓ સ્વભાવ અને સિદ્ધાંત-બંન્નેથી થાય છે.રાગ-દ્રેષરહિત સ્વભાવ દોષવાળો નથી હોતો પરંતુ રાગ-દ્રેષયુક્ત સ્વભાવ દોષવાળો હોય છે.રાગ-દ્રેષપૂર્વક થવાવાળી ક્રિયાઓ મનુષ્યને બાંધે છે કેમકે તેમનાથી સ્વભાવ અશુદ્ધ થાય છે અને સિદ્ધાંતથી થવાવાળી ક્રિયાઓ ઉદ્ધાર કરવાવાળી થાય છે કેમકે તેમનાથી સ્વભાવ શુદ્ધ થાય છે.સ્વભાવ અશુદ્ધ થવાના કારણે જ સંસાર સાથે માનેલા સબંધનો વિચ્છેદ થતો નથી.સ્વભાવ શુદ્ધ થવાથી સંસાર સાથે માનેલા સબંધનો સુગમતાપૂર્વક વિચ્છેદ થઇ જાય છે.
જ્ઞાની મહાપુરૂષના પોતાના કહેવાતા શરીર દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે છે કેમકે તેનામાં કર્તૃત્વાભિમાન હોતું નથી કેમકે તેનામાં કર્તૃત્વાભિમાન હોતું નથી.પરમાત્માપ્રાપ્તિની ઇચ્છાવાળા સાધકોની ક્રિયાઓ સિદ્ધાંત અનુસાર થાય છે,જેવી રીતે લોભી પુરૂષ સદા સાવધાન રહે છે કે ક્યાંય કોઇ ખોટ ન આવી જાય,તેવી જ રીતે સાધક સાવધાન રહે છે કે ક્યાંય કોઇ ક્રિયા રાગ-દ્રેષપૂર્વક ના થઇ જાય.આવી સાવધાની રાખવાથી સાધકનો સ્વભાવ તરત જ શુદ્ધ થઇ જાય છે અને પરીણામસ્વરૂપ તે કર્મબંધનથી મુક્ત થઇ જાય છે.પદાર્થો અને ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માનવાના કારણે જ રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે,જેનાથી જન્મમરણરૂપી બંધન થાય છે પરંતુ પ્રકૃતિ સાથે સબંધ ન માનવાવાળો સાધક પોતાને સદા અકર્તા જુવે છે.સ્વભાવમાં મુખ્ય દોષ પ્રાકૃત પદાર્થોનો રાગ છે.જ્યાંસુધી સ્વભાવમાં રાગ છે ત્યાંસુધી અશુભ કર્મો થાય છે.રાગ માનેલા ‘અહમ્’માં રહે છે અને તે મન,બુદ્ધિ,ઇન્દ્રિયો તેમજ ઇન્દ્રિયોના વિષયોમાં દેખાઇ આવે છે.
‘અહમ્’ બે પ્રકારનો હોય છેઃચેતન દ્વારા જડની સાથે માનેલા સબંધથી થવાવાળો તાદાત્મ્યરૂપ અહમ્ અને જડ પ્રકૃતિનો ધાતુરૂપ ‘અહમ્’.જડ પ્રકૃતિના ધાતુરૂપ ‘અહમ્’માં કોઇ દોષ નથી કેમકે આ અહમ્ મન, બુદ્ધિ,ઇન્દ્રિયો વગેરેની જેમ એક કરણ જ છે એટલા માટે સઘળા દોષો માનેલા ‘અહમ્’માં જ છે.જ્ઞાની મહાપુરૂષમાં તાદાત્મ્યરૂપ ‘અહમ્’નો સર્વથા અભાવ હોય છે.આથી તેમના કહેવાતા શરીર દ્વારા થવાવાળી તમામ ક્રિયાઓ પ્રકૃતિના ધાતુરૂપ ‘અહમ્’થી જ થાય છે.વાસ્તવમાં તમામ પ્રાણીઓની તમામ ક્રિયાઓ આ ધાતુરૂપ ‘અહમ્’થી જ થાય છે પરંતુ જડ શરીરને ‘હું’ અને ‘મારૂં’ માનવાવાળો અજ્ઞાની પુરૂષ તે ક્રિયાઓને પોતાની અને પોતાને માટેની માની લે છે અને બંધાઇ જાય છે કારણ કે ક્રિયાઓને પોતાની અને પોતાને માટેની માનવાથી જ રાગ ઉત્પન્ન થાય છે.
સદ્રશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ-જો કે અંતઃકરણમાં રાગ-દ્રેષ ન રહેવાથી જ્ઞાની મહાપુરૂષની પ્રકૃતિ નિર્દોષ હોય છે અને તે પ્રકૃતિને વશીભૂત થતો નથી તો પણ તે ચેષ્ટા તો પોતાની પ્રકૃતિ-સ્વભાવના અનુસાર જ કરે છે.ભગવાન પણ પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ કરીને જે યોનિમાં અવતાર લઇ લે છે તે જ યોનિના સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે,જેમકે ભગવાન રામ કે કૃષ્ણરૂપે મનુષ્ય યોનિમાં અવતાર લે છે તથા મત્સ્ય,કચ્છપ,વરાહ વગેરે યોનિમાં અવતાર લે છે તો ત્યાં તે તે યોનિ અનુસાર જ ચેષ્ટા કરે છે. ભગવાનનાં અવતારી શરીરોમાં પણ વર્ણ અને યોનિ અનુસાર સ્વભાવની ભિન્નતા રહે છે પણ પરવશતા રહેતી નથી.
અહી સ્વસ્યાઃ પદનો અર્થ એ છે કે જ્ઞાની મહાપુરૂષોની પ્રકૃતિ નિર્દોષ હોય છે,તે પ્રકૃતિને વશ થતા નથી પરંતુ પ્રકૃતિ તેમને વશ થાય છે.કર્મોનું ફળ પેદા થવાનું મૂળ બીજ કર્તૃત્વાભિમાન અને સ્વાર્થબુદ્ધિ હોતી નથી,તેના દ્વારા ચેષ્ટા માત્ર થાય છે.ચેષ્ટા કે ક્રિયા નહી પરંતુ કર્મ જ બંધનકારક છે.પાછલા અને વર્તમાન જન્મના સંસ્કાર, માતા-પિતાના સંસ્કાર, વર્તમાનનો સંગ, શિક્ષણ, વાતાવરણ, અધ્યયન,ઉપાસના, ચિંતન,ક્રિયા,ભાવ વગેરે અનુસાર સ્વભાવ બને છે.આ સ્વભાવ બધા મનુષ્યોમાં ભિન્ન-ભિન્ન હોય છે અને તેને નિર્દોષ બનાવવામાં બધા મનુષ્યો સ્વતંત્ર છે.વ્યક્તિગત્ સ્વભાવની ભિન્નતા જ્ઞાની મહાપુરૂષોમાં પણ રહે છે.ચેતનમાં ભિન્નતા હોતી જ નથી અને પ્રકૃતિ-સ્વભાવમાં ભિન્નતા રહે છે,પ્રકૃતિ વિષમ છે.જ્ઞાની મહાપુરૂષનો સ્વભાવ શુદ્ધ,રાગ-દ્રેષરહિત હોય છે આથી તે પ્રકૃતિને વશ થતો નથી.આથી ઉલ્ટું અશુદ્ધ, રાગદ્રેષયુક્ત સ્વભાવવાળા મનુષ્યો પોતે બનાવેલી પરવશતાથી બંધાઇને કર્મો કરે છે.
નિગ્રહઃ કિં કરિષ્યતિ-જેમનો સ્વભાવ મહાશુદ્ધ તેમજ શ્રેષ્ઠ છે તેમની ક્રિયાઓ પણ પોતાની પ્રકૃતિ અનુસાર થયા કરે છે.જેમનો સ્વભાવ રાગ-દ્રેષયુક્ત છે તે પુરૂષોની ક્રિયાઓ તો પ્રકૃતિ અનુસાર થાય છે.આ વિષયમાં હઠ તેમના કામમાં આવતી નથી.જેનો જેવો સ્વભાવ છે તેનો તેના જ અનુસાર કર્મો કરવા પડશે. જો સ્વભાવ અશુદ્ધ હોય તો તે અશુદ્ધ કર્મોમાં અને શુદ્ધ હોય તો તે શુભકર્મોમાં મનુષ્યને જોડી દેશે.
અર્જુન પણ જ્યારે હઠપૂર્વક યુદ્ધરૂપી કર્તવ્યકર્મનો ત્યાગ કરવા ઇચ્છે છે ત્યારે ભગવાન તેમને આ જ કહે છે કે ‘તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દેશે’ કેમકે તારા સ્વભાવમાં યુદ્ધ વગેરે ક્ષાત્રકર્મ કરવાનો પ્રવાહ છે એટલા માટે સ્વાભાવિક કર્મોથી બંધાયેલો તૂં પરવશ બનીને યુદ્ધ કરશે એટલે કે આમાં તારી હઠ કામ નહી આવે.જ્ઞાની મહાપુરૂષ દ્વારા પણ પોતાની શુદ્ધ પ્રકૃતિથી વિરૂદ્ધ ચેષ્ટા નહી થાય.અશુદ્ધ પ્રકૃતિને સુધારવાના બે ઉપાય છેઃરાગ-દ્રેષથી રહિત થઇને કર્મ કરવું અને ભગવાનના શરણમાં ચાલ્યા જવું.જેની બુદ્ધિમાં જડતા-સાંસારીક ભોગ અને સંગ્રહનું જ મહત્વ છે એવો મનુષ્ય ગમે તેટલો વિદ્વાન કેમ ના હોય તેનું અવશ્ય પતન થાય છે પરંતુ જેની બુદ્ધિમાં જડતાનું મહત્વ નથી અને ભગવદપ્રાપ્તિ જ જેનો ઉદ્દેશ્ય છે એવો મનુષ્ય વિદ્વાન ના હોય તો પણ તેનું ઉત્થાન અવશ્ય થાય છે,કારણ કે જેનો ઉદ્દેશ્ય ભોગ અને સંગ્રહ ન હોઇને ફક્ત પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે તેના તમામ ભાવ,વિચાર,કર્મ વગેરે તેની ઉન્નતિમાં સહાયક બની જાય છે.રાગ-દ્રેષથી રહિતથી થવોનો સુગમ ઉપાય છેઃમળેલા શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનતા રહીને બીજાઓની સેવામાં લગાવવા અને બદલામાં બીજાઓ પાસેથી કંઇપણ ન ઇચ્છવું.
પ્રકૃતિને વશ ન થવા માટે સાધકે કોઇ આદર્શને સામે રાખીને કર્તવ્યકર્મો કરવાં જોઇએ.આદર્શ બે હોઇ શકે છેઃભગવાનનો મત-સિદ્ધાંત અને શ્રેષ્ઠમહાપુરૂષોનું આચરણ.આદર્શને સામે રાખીને કર્મ કરવાવાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઇ જાય છે અને નિત્યપ્રાપ્ત પરમાત્માતત્વનો અનુભવ થઇ જાય છે,આનાથી ઉલ્ટું આદર્શને સામે ન રાખીને કર્મ કરવાવાળો મનુષ્ય રાગ-દ્રેષપૂર્વક જ સર્વે કર્મો કરે છે જેથી રાગ-દ્રેષ પુષ્ટ થઇ જાય છે અને તેનું પતન થઇ જાય છે.(ગીતાઃ૩/૩૨)
જેવી રીતે નદીના પ્રવાહને આપણે રોકી શકતા નથી પણ નહેરો બનાવીને વાળી શકીએ છીએ તેવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો શકતા નથી પણ તેનો પ્રવાહ વાળી શકીએ છીએ.નિઃસ્વાર્થભાવે ફક્ત બીજાઓના હિતના માટે કર્મો કરવા તેને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય.પોતાના માટે કિંચિતમાત્ર પણ કર્મ કરવાથી કરવાથી કર્મોનો પ્રવાહ વળશે નહી,તાત્પર્ય એ છે કે ફક્ત બીજાઓના હિતના માટે કર્મો કરવાથી કર્મોનો પ્રવાહ સંસારની તરફ થઇ જાય છે અને સાધક કર્મબંધનથી મુક્ત થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

