અદ્વૈત મત કે દ્વૈત મત ગમે તે મતને માનો પણ જીવ ઈશ્વરરૂપ છે,ઈશ્વરનો અંશ છે અને માયા તેને બાંધે છે તે હકીકત છે.માયાને સત્ કે અસત્ કંઈપણ કહી શકાતી નથી.મહાત્માઓ કહે છે કે સ્વપ્નમાંથી જાગ્યા ના હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું લાગે છે પણ જેવા સ્વપ્નમાંથી જાગ્યા કે સ્વપ્ન અસત્ય છે. માયામાંથી પણ ના જાગો ત્યાં સુધી તે સત્ય જેવી અને જાગો એટલે તે અસત્ય છે,તેની જરૂર ખાત્રી થશે. આપણે બધા રાજાના-પરમાત્માના દીકરા છીએ.માયા દાસી છે,તે દાસીને રાજાએ બાળકોને રમાડવા રાખી છે,બાળકોને પજવવા માટે નહિ.જો દાસી બાળકને પજવે તો રાજા દાસીને રજા આપે.પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવામાં આવે તો માયાનું બંધન છૂટી જાય છે.
જીવને માયા રમાડી શકે પણ રડાવી શકે નહિ.કોઈપણ સિદ્ધાંત અનુસાર આત્માને બંધન થતું નથી. મનને જ બંધન છે,મનના બંધનથી,અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે મને પણ બંધન થયું છે.જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે.થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે કે લોકો બોલે છે કે મારૂં મન બગડ્યું છે,મારૂં મન ફસાયું છે પણ કોઈ એમ કહેતા નથી કે હું બગડ્યો છું,મારો આત્મા બગડ્યો છે.આત્મા એ મનનો સાક્ષી છે,દ્રષ્ટા છે.મનને સ્વતંત્ર કોઈ સત્તા નથી પણ તે આત્માની સત્તાથી કામ કરે છે.મન સ્વતંત્ર નથી,મન નપુંસક છે.મન વિષયોમાં ફસાય છે અને મનને સુખ-દુઃખ થાય છે,બંધન થાય છે અને તે આરોપ જીવ પોતાનામાં કરે છે.આ સિદ્ધાંત સમજાવવા તુલસીદાસજીએ વાંદરાનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે.
વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે.જે વનમાં વાનરો હોય ત્યાં હાંડલીમાં ચણા રાખે છે.વાનર અતિ ઉતાવળથી ચણા લેવા પોતાના બંને હાથ હાંડલીમાં નાખે છે,ચણા લેવા મુઠ્ઠી વળે એટલે મુઠ્ઠી ફુલાય છે એટલે હાથ હાંડલીમાંથી બહાર નીકળતો નથી.વાનર એમ સમજે છે કે તેના હાથ કોઈએ-ભૂતે? અંદરથી પકડી લીધા છે,વાસ્તવમાં કોઈએ હાથ પકડ્યા નથી પણ વાનરે મુઠ્ઠી વાળી છે,ચણા તેને બહુ ભાવે છે,તે ચણા છોડવા નથી એટલે મુઠ્ઠી ખોલી શકતો નથી,જો ચણા હાથમાંથી છોડી દે તો હાથ તરત બહાર નીકળી જાય.ચંચળ વાનર ચણા માટે સ્થિર થઇ બેઠો છે અને પકડાઈ જાય છે,એવી જ રીતે આ સંસાર એ હાંડલી છે,સંસારના વિષયો તે ચણા છે,મન એ વાનર જેવું છે.મન અહંતા-મમતા-આસક્તિરૂપી મુઠ્ઠીમાં વિષયોરૂપી ચણાને પકડી રાખે છે અને મન બંધનમાં આવે છે અને વાનરની જેમ તે માને છે કે મને બંધન થયું છે.
મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને-ચણાને પકડ્યા છે પણ તેને છોડવાની ઈચ્છા થતી નથી.આ તેના જેવું જ થયું છે કે એક માનવ થાંભલાને બાથ ભરીને ઉભો છે અને બૂમો મારે છે કે કોઈ મને છોડાવો,મને થાંભલાએ પકડ્યો છે.મનુષ્યનું બંધન આ વાનર જેવું છે.મનુષ્યને કોણે બાંધ્યો છે? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી પણ અજ્ઞાનથી-આસક્તિવશ થઇને તે માને છે કે હું બંધાયેલો છું.જીવ પરમાત્માનો અંશ છે,તેને કોઈ બાંધી શકે જ નહિ પણ અજ્ઞાનથી-આસક્તિથી બંધન લાગે છે.અજ્ઞાનનો-ઉપાધિનો નાશ થયો એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી હાંડલીમાં વિષયોરૂપી ચણા ભર્યા છે, ચણાને પકડે નહિ તો જીવ છુટો જ છે.કેટલાક ડાહ્યા વડીલો કહે છે કે હું સર્વ વાતે સુખી છું,મને બંધન નથી, બે છોકરાંઓ છે,બંને માટે જુદા જુદા બંગલા રાખ્યા છે,આ એક છોકરી પરણાવવાની બાકી છે,તેનું લગ્ન થઇ જાય એટલે ગંગા-કિનારે જઈશ.મનુષ્ય બોલવામાં જેટલો ડાહ્યો છે,તેટલો વર્તનમાં ડાહ્યો નથી. છોકરી પરણી જાય અને તેના ત્યાં ભાણો આવે એટલે પણ ગંગા-કિનારો તેને યાદ આવતો નથી પછી ભાણાની માયા લાગે છે અને હવે કહે છે કે હું તો જવા તૈયાર છું પણ ફલાણા ભાઈ ના પાડે છે.છોકરાંઓ વિચારે છે કે ડોસો ગંગાકિનારે જશે તો પેન્શનના રૂપિયા ત્યાં મંગાવશે અને સાધુ સંતો પાછળ વાપરી નાખશે તેના કરતાં ઘરમાં હશે તો પૈસા ઘરમાં વપરાશે.ઘરમાં હશે તો નોકર નહિ આવ્યો હોય તો બજારમાંથી શાક-ભાજી લઇ આવશે.બાબા-બેબીને રમાડશે.બહાર ફરવા જવું હશે ઘર સાચવશે.ડોસો હવે કહે છે કે છોકરાંઓ ગંગા કિનારે જવાની ના પાડે છે.આજે છોકરાંઓ ના પડે છે પણ કાલે યમરાજના ઘેરથી વોરંટ આવશે ત્યારે કોઈ ના પાડશે તો એ ચાલવાનું છે? ત્યાં તો જવું જ પડશે.
સમજીને છોડે એ સુખી થાય છે,જે ફરજીયાત છોડવું પડે છે તે દુઃખી થાય છે.કાળ ધક્કો મારે અને રડતાં-રડતાં ઘર છોડીએ તેના કરતાં સાવધાન થઇ સમજપૂર્વક છોડવું સારૂં છે.ત્યાગ જો બુદ્ધિપૂર્વક થાય તો તે ત્યાગ સુખ આપે છે.જીવાત્માને કોઈએ બાંધ્યો નથી,પોતે જ પોતાને બાંધે છે અને દોષ બીજાને આપે છે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે છે.મન સંસારને ભૂલી જાય તો તે મુક્ત જ છે.સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે.હું શરીર છું-એવો દેહાધ્યાસ છૂટી જાય અને
વૃત્તિ બ્રહ્માકાર થાય તે મુક્તિ છે.વિષયોનું ચિંતન કરે તે મન અશુદ્ધ છે,વિષયોનું ચિંતન છોડી દે તે મન શુદ્ધ છે.અનાદિ કાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી છે,તે જ મન જો શ્રીકૃષ્ણ કથાનું ચિંતન કરે,કાન કૃષ્ણ-કથાનું શ્રવણ કરે તો મનને વિષયોનું ચિંતન કરવાની આદત છુટે છે.ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.આંખનું,કાનનું સર્વ ઇન્દ્રિયોનું લગ્ન શ્રીકૃષ્ણ જોડે કરવાનું છે.સર્વત્ર સર્વમાં શ્રીકૃષ્ણનું દર્શન કરવું.એક-એક ઇન્દ્રિયોના એક-એક એમ પાંચ વિષયો છે.ઇન્દ્રિયો તે વિષયોથી અલગ થાય છે ત્યારે તે ઇન્દ્રિયો આત્મા-પરમાત્મા જોડે શયન કરે છે.મહાત્માઓ કહે છે કે ઈન્દ્રિયોરૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવો.
તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.જગતમાં જે કંઇ છે તે સર્વ પ્રભુ પરમાત્માનું જ છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરવો અને કોઇના ૫ણ ધન ઉ૫ર લલચાવવું નહી.મોહના કારણે જ સંસાર સત્ય લાગે છે અને નિરાકાર બ્રહ્મનો અનુભવ થતો નથી.સેવા,સુમિરણ,સત્સંગમાં સૌથી મોટું વિઘ્ન તન-મન-ધનનું મિથ્યા આકર્ષણ છે.તન-મન-ધનનું અભિમાન ના રહે તો ભક્ત સરળ ભાવથી ભક્તિ ૫થ ઉ૫ર આગળ વધે છે.બાળ સુલભ સરળતા ભક્તિની વાસ્તવિક શક્તિ છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોત પોતાના કર્તવ્યકર્મ,ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી પરંતુ આસક્તિ જ બાધક છે.(અવતારવાણી-૯/૧)
બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન,વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા-ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી શાસ્ત્ર કૃપા-ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.
જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે બ્રહ્મનું જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ્ સમાપ્ત થાય છે. રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની લક્ષ્ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારૂં લક્ષ્ય શું છે? તો સમજી લેવું કે તે લક્ષ્યથી અનભિજ્ઞ છે.બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કે હું તો અંદર-બહાર પરમાત્માથી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.
જીવનમાં સુખ,શાંતિ,આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે. જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.વિષયોમાં વૈરાગ્ય એ જ મુક્તિ છે.
હે મન મારૂં સ્વરૂ૫ માની,પુરા ગુરૂથી જ્ઞાન ગ્રહો,તન-મન-ધન સૌ અર્પણ કરી દો,દુષ્ટ-દુર્જનોનો સંગ ત્યજો,જન્મ-મરણનાં બંધન તૂટે,આવાગમન છુટી જશે,અવતાર ગુરૂના ચરણસ્પર્શથી,જીવનમુક્તિ થઇ જશે. (અવતારવાણી-૧૦૦)
મુક્તિ પ્રદાન કરવાની શક્તિ ફક્ત સદગુરૂ પાસે હોય છે.ગુરૂ વિના જ્ઞાન અને સત્યનો સાક્ષાત્કાર થતો નથી,મુક્તિ મળતી નથી.જો જ્ઞાનની સાથે તે અનુસાર કર્મ થાય તો મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને આ જીવનકાળમાં જ જીવનમુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે.
આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે.મન નિર્વિષય બને તો મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે પણ એ જ મન જો પરમાત્મામાં અનુરાગી બને તો મોક્ષનું કારણ બને છે.આ મન જ્યારે હું-પણા,મારા-પણાનું કારણ એવા કામ-ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

