Bhavnagar,તા.6
અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલું જહાજ ’એમ.વી. ગૌતમ’ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત કુલ 7 ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા.
મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ એન્ડ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ તાત્કાલિક સહાય માટે પાકિસ્તાની સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. 8 પાકિસ્તાન નેવી અને તેની સિક્યુરિટી એજન્સીએ ત્વરિત પ્રતિસાદ આપી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ 7 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને ખોરાક તથા તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે.
આ જહાજ ઓમાનથી તેની અંતિમ સફર શરૂ કરીને અલંગ આવી રહ્યું હતું. હાલ તેને ફરી કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી તણાવ છતાં, દરિયાઈ કટોકટીના સમયે બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ પ્રોટોકોલનું પાલન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નોંધનીય છે કે ગયા મહિને પણ પાકિસ્તાન નેવીએ આ જ રીતે અન્ય એક જહાજના 18 સભ્યોના જીવ બચાવ્યા હતા.

