Ahmedabad, તા.14
નશાબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં દારૂની રેલમછેલ નવી વાત નથી. કરોડોનો દારૂ પકડાય છે છટકી જતાં શરાબની ગણતરી મુશ્કેલ છે. જ્યારે દારૂબંધીના કેસોમાં કેટલીક વખત પોલીસ પણ કાયદાને ઓળંગી જતી હોય છે. આવા જ એક રસપ્રદ કેસમાં દારૂ પકડનાર પોલીસને બૂટલેગર આરોપી હાથ લાગ્યા ન હતા તો મોટરસાયકલને આરોપી તરીકે દેખાડી દીધું હતું.
અમદાવાદના સાબરમતીના કાંઠે દેશીદારૂને ગંધ આવી ગઇ હોય તેમ મોટરસાયકલ રેઢુ મુકીને છટકી ગયો હતો. આ બનાવમાં પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં એમ દર્શાવ્યું છે કે પોલીસ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે નદી કાંઠે દારૂની ભઠ્ઠીની બાતમી મળી હતી. પોલીસને દુરથી આગના ધુમાડા તથા નજીક એક મોટર સાયકલમાં બેઠેલો માણસ નજરે ચડ્યો હતો પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે વ્યક્તિ નાસી ગયો હતો અને મોટર સાયકલ રેઢુ મુકી દીધું હતું. પોલીસે કાળા કલરના મોટર સાયકલને આરોપી તરીકે દર્શાવ્યો હતો.
પોલીસના સૂત્રોએ કહ્યું કે અનેક વખત આરોપી હાથમાં ન આવે તો જપ્ત કરાયેલી ચીજોને જ `આરોપી’ બનાવી દેવાય છે જે તપાસનીશ પોલીસ તંત્રની આળસ અને બેદરકારી સુચવે છે.
સાબરમતીના કિસ્સામાં પોલીસે 240 લીટર દેશીદારૂ અને 1100 લીટર આથો કબ્જે લીધો હતો અને તેની કિંમત 1.12 લાખ દર્શાવી હતી.

