(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
જામનગર, તા. ૨૦, જામનગર તાલુકાના સરમત ગામના ખેડૂત યુવાન પર તેના જ કુટુંબી કાકાએ જૂની અદાવતનો ખાર રાખી ધારીયું અને છરી સાથે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ સરમત ગામના આશાપુરા મંદિર પાસે રહેતા અને ખેતીકામ કરતા પૃથ્વીરાજસિંહ હનુભા જાડેજા ગત ૧૫ જુલાઈના રોજ સાંજે સરમત પાટીયા પાસે આવેલી હીરાભાઈ સવાભાઈ સોલંકીની ચાની હોટલે બેઠા હતા. તે દરમિયાન તેમના કુટુંબી કાકા ભીષ્મરાજસિંહ હઠીસિંહ જાડેજા અને રઘુવીરસિંહ જાડેજા રોયલ એનફિલ્ડ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ જૂની અદાવતનો ખાર રાખીને ભીષ્મરાજસિંહ જાડેજા હાથમાં ધારીયું અને છરી લઈને પૃથ્વીરાજસિંહ પર હુમલો કરવા ધસી આવ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોકે ત્યાં હાજર સવાભાઈ સોલંકી તથા રઘુવીરસિંહ જાડેજાએ વચ્ચે પડી આરોપીના હાથમાંથી ધારીયું અને છરી લઈ લીધી હતી. ત્યારબાદ આરોપીએ પથ્થરમારો કર્યો હતો અને જતાં જતાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ લગભગ પાંચ મહિના અગાઉ બંને પક્ષ વચ્ચે થયેલી મારામારીનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સિક્કા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

