ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદે અનેક જિલ્લામાં મુશ્કેલી વધારી : અતિભારે વરસાદની સંભાવના છે
Gandhinagar, તા.૨૩
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. આ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળના ૧૯ જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમગ્ર માહિતી આપી હતી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડમાં આર્મીની ૨ કોલમ મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ઓડિશાથી દ્ગડ્ઢઇહ્લની વધુ ૪ ટીમો મંગાવવામાં આવી છે જે સાંજે સુરત પહોંચશે. જેમાંથી ૨ ટીમ વલસાડ, ૧ ટીમ નવસારી અને ૧ ટીમ સુરત ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
ગુજરાતમાં વલસાડ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. પૂરની ભારે અસર ધરાવતા નવસારીમાંથી ૧૦,૦૦૦ અને વલસાડમાંથી ૧૨,૦૦૦ મળીને કુલ ૨૨,૦૦૦થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડમાં પાણીમાં ફસાયેલા ૨૦૦થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ૨૫ જેટલી બોટ ફાળવવામાં આવી છે. હાલમાં અતિભારે વરસાદને કારણે રાજ્યમાં ૪ નેશનલ હાઈવે અને ૭ સ્ટેટ હાઈવે સહિત પંચાયતના ૧૧૦૦થી વધુ મળીને કુલ ૧૨૦૦ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સર્જાયેલી આ કુદરતી આફતમાં કેન્દ્ર સંપૂર્ણપણે રાજ્યની સાથે ઊભી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. સ્થાનિક સ્તરે કામગીરીનું નિરીક્ષણ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે. સરકારે પ્રજાને અપીલ કરી છે કે આવી ગંભીર પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું.
અમદાવાદમાં અનરાધાર અને દક્ષિણમાં દે ધનાધન વરસાદ પડી રહ્યો છે. અને હજુ પણ આવી જ સ્થિતિ રહી શકે છે. કારણ કે હવામાન વિભાગે આગામી ૪૮ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે તો આગળનો સમય ખૂબ જ ભારે છે.

