વિનોદભાઇ માછી નિરંકારી
બહુચરાજી શક્તિપીઠનું ધાર્મિક મહાત્મય જોઇએ તો પૌરાણિક કથાઓ મુજબ જ્યારે ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી ર્માંના શરીરના ટુકડા કર્યા હતા,એવું માનવામાં આવે છે કે અહીં દેવી સતીના શરીરનો જમણો હાથ પડ્યો હતો જેથી આ સ્થાન ‘બાહુચરાજી‘ અને સમય જતાં બહુચરાજી તરીકે ઓળખાયું.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં બહુચરાજી યાત્રાધામથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે આવેલું શંખલપુર એ ર્માં બહુચરનું અસલ પ્રાગટ્ય સ્થાન-મૂળ સ્થાનક છે,આ એક અતિ પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ છે. માતાજીએ દંડસુર રાક્ષસનો વધ કરી વૈદિક ધર્મની પુનઃસ્થાપના કરી હતી. ર્માં બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર, ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ, નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂળ ધારણ કરેલાં છે, ર્માં બહુચરનું વાહન કુકડો માનવામાં આવે છે, તે નિર્દોષતા, નિર્ભયતા, જાગૃતિ અને ધર્મની રક્ષાનું પ્રતીક છે.
શ્રી બહુચર માતાજીનો ઇતિહાસ ત્યાગ-શક્તિ અને પરચાની દિવ્ય કથાઓ સાથે જોડાયેલો છે. ગુજરાતના ચુંવાળ પ્રદેશમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલું આ સ્થાન ભારતભરમાં એક પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે. બહુચર માતાના જન્મ અને પ્રાગટ્યની કથા જોઇએ તો..એક લોકવાયકા અનુસાર અંદાજે ઈ.સ.૧૩૯૫માં હળવદના સાપકડા ગામે ચારણ જ્ઞાતિના દેવલ આઈ અને બાપલ દેથા નામના ર્માં જગદંબાના પરમ ભક્ત હતા. તેમને ત્યાં ચાર પુત્રીઓનો જન્મ થયો હતો, જેમાં બુટભવાની, બલાડ, બાલવી અને બહુચરા-ર્માં બહુચર સામેલ હતા, તેઓ દૈવી શક્તિ ધરાવતા બહેનો હતા, તેમની પુત્રી બહુચરબા બાળપણથી જ પરાક્રમી-સત્યનિષ્ઠ અને ધાર્મિક હતી.
એક વખત બહુચરબા પોતાની બહેનો સાથે યાત્રા માટે નીકળ્યા હતા.રસ્તામાં બાપિયા નામના લૂંટારાએ તેમની પર હુમલો કર્યો.ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને “ત્રાગું” કહેવાય છે.ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં બલિદાન આપ્યાં.લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક-નામર્દ બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી, દેવીની શરણમાં ગયો. દેવી પ્રસન્ન થઈને તેને આશિર્વાદ આપ્યો કે જે લોકો શ્રદ્ધાથી તેમની ઉપાસના કરશે તેમની મનોકામનાઓ પૂર્ણ થશે એવું માનવામાં આવે છે કે આ ઘટનાના પછી તે સ્થળે બહુચર માતાનું પવિત્ર સ્થાન સ્થાપિત થયું, જે આજે બહુચરાજી તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં ભારતમાં કિન્નર-નપુંસક-નાન્યતર જાતિના લોકો ઘણા ભાવપૂર્વક ર્માં બહુચરજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.બહુચરબાએ પોતાની પવિત્રતા અને સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું.
બહુચર માતાજી સોલંકી,ચૌહાણ,રાજપૂતો,કોળી,ભીલ,કિન્નર વગેરે સમુદાયોના કુળદેવી છે.સોલંકી રાજપૂતોએ આ પ્રદેશ પર લાંબા સમય સુધી શાસન કર્યું.બહુચર માતાજીને સિંધની હિંગળાજ માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે,તેમને બાલા ત્રિપુરસુંદરીનો અવતાર પણ માનવામાં આવે છે.
નારીમાંથી નર બનાવવાનો સોલંકી વંશનો ઇતિહાસ અને પરચાની વાત કરીએ તો..ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ૧૮મી સદીમાં કાલરી ગામના સોલંકી રાજા વજેસિંહ હતા અને બીજા પાટણના ચાવડા રાજા હતા, તેઓ ગાઢ મિત્રતા ધરાવતા હતા, આ બંન્ને રાજાઓએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જો એક મિત્રને પૂત્રી અને બીજાને પુત્ર થશે તો તેઓ તેમના લગ્ન કરાવશે. આ તેમની ગાઢ મિત્રતાને કૌટુંબિક સંબંધમાં પરિવર્તિત કરશે. ભાગ્યએ બંને મિત્રોને ત્યાં પુત્રીનો જન્મ થયો. સોલંકી વંશના રાજા વજેસિંહને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો પરંતુ રાજ્યની ગાદી બચાવવા તેમણે પૂત્રીને પુત્ર તરીકે ઉછેરી અને તેનું નામ તેજપાલ રાખ્યું હતું. આ એક એવું સત્ય હતું જેને કોઈ પણ લાંબા સમય સુધી છુપાવી શક્યું નહીં.
સોલંકી રાજાની ખોટી જાહેરાતના સમાચાર ટૂંક સમયમાં પાટણના રાજા સુધી પહોંચ્યા. સત્યને ઉજાગર કરવાના ઇરાદે પાટણના રાજાએ ધાર્મિક વિધિના આડમાં પોતાના ભાવિ જમાઈને આમંત્રણ મોકલ્યું. આનાથી સોલંકી રાજકુમારી ડરી ગઈ, જે પોતાના ઘોડા પર સવાર થઈને બહુચરાજી ગઈ. જો તેનું રહસ્ય ખુલી જાય તો બંને રાજવંશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે અને અસંખ્ય નિર્દોષ લોકોના જીવ જશે. રાજકુમારીએ ર્માં બહુચરને હિંસા કે રક્તપાત વિના આ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રાર્થના કરી. તેજપાલના ઘોડાએ અહીં આવેલા માનસરોવરમાં સ્નાન કર્યું અને તે ઘોડીમાંથી ઘોડો બની ગયો. આ જોઈને તેજપાલે પણ માનસરોવરમાં સ્નાન કર્યું અને તે નારીમાંથી નર-પુરૂષ બની ગયો હતો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને રાજાએ અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું.
ર્માં બહુચરના મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે, તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને જન્મથી કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તો તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.
અત્યારનું મુખ્ય મંદિર ૧૮મી સદીમાં ગાયકવાડ શાસન દરમિયાન મહારાજી માનાજીરાવ ગાયકવાડે આ મંદિરમાં માનતા કર્યા પછી બિમારીમાંથી સાજા થઇ ગયા હતા. તેમના દ્વારા સંવત ૧૮૩૫ થી ૧૮૩૯ ઈ.સ.૧૭૭૯-૧૭૮૩ દરમિયાન આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.ર્માં બહુચર શક્તિ-સાહસ અને આત્મ સન્માનની દેવી છે, સંતાનસુખ અને સુખ-સમૃદ્ધિ માટે ભક્તો પ્રાર્થના કરે છે, ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાં તેમનું વિશેષ સ્થાન છે, ચૈત્ર અને આસો નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો દર્શન કરવા અહી આવે છે.
મુસ્લિમ આક્રમણકારો સોમનાથ મંદિરનો નાશ કરવાના માર્ગ પર રસ્તામાં આવતા બધા મંદિરોનો નાશ કર્યો હતો, તેઓ સિદ્ધપુર પહોંચ્યા, જ્યાં સિદ્ધપુરનું પ્રખ્યાત રૂદ્ર મહાલય સ્થિત હતું. એક બ્રાહ્મણે આક્રમણકારોને બહુચર માતાજીના મંદિરનો નાશ કરવાનો પડકાર ફેંક્યો. બ્રાહ્મણ પૂજારીને જીવંત બહુચર માતાજી અપાર શ્રદ્ધા હતી, તે હંમેશા મંદિર અને તેના ભક્તોનું રક્ષણ કરે છે. જ્યારે આક્રમણકારો મંદિર પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. અસંખ્ય કૂકડાઓ કે જે માતાજીનું વાહન છે તે મંદિરની આસપાસ ફરતા હતા, તેમને જોઈને આક્રમણકારો લોભી થઈ ગયા, તેઓએ તેમનો પુષ્કળ શિકાર કર્યો અને તેમને તેમના ભોજનમાં સામેલ કર્યા. સવાર પડતાં જ મંદિરના એક કૂકડાએ બાંગ પોકારી. આક્રમણકારોના પેટમાં રહેલા તમામ કૂકડાઓ પણ બાંગનો જવાબ આપ્યો અને પેટ ફાડીને બહાર નીકળી ગયા આમ આખી સેનાનો નાશ કર્યો ત્યારથી દેવીને ધર્મના અનુયાયીઓની રક્ષક માનવામાં આવે છે.
અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે ૯.૩૦ કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીના નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ત્રણ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે.માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રી દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નીજ મંદિરેથી નિકળીને બહુચરાજી પાસે આવેલ સમીવૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરાવવામાં આવે છે.
આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટરને અંતરે આવેલું છે ત્યારબાદ જુનુ શંખલપુર પણ અહીંથી પાંચ કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખુબ જ જૂનુ હોવાને લીધે કેટલાયે ગરબા-ગીતો અને ભજનો લખાયા છે. અહી બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવ છે જ્યાં શુધ્ધ-સાત્વિક, શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રી રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે.
હાલમાં અમારે પરીવાર સહિત ર્માં બહુચરના મંદિરે દર્શન કરવા જવાનો મોકો મળ્યો. મારી ભાણીની દિકરી જન્મ થયો ત્યારથી પાંચ વર્ષ સુધી બિલ્કુલ બોલતી નહોતી તેથી મારી સાળીએ ર્માં બહુચરની માનતા માની હતી કે મારી દિકરીની દિકરી બોલતી થશે તો ચાંદીની જીભ,ચાંદીનો કુંકડો તથા સવાશેર કંકુ ચઢાવીશ અને દિકરી બોલતી થઇ હાલ આ દિકરી આઠ વર્ષની છે અને ર્માં બહુચરની કૃપાથી સરસ બોલી શકે છે.હાલમાં નવા મંદિરની જગ્યાએ ભવ્ય નવું મંદિર બનાવવાનું કામ ચાલી રહેલ છે એટલે ગર્ભગૃહમાં બિરાજતા ર્માં બહુચરના દૂરથી જ દર્શન કરવા પડ્યા હતા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

