માતા પાસે જવા ઘર છોડ્યું, પરંતુ ઘર બંધ મળતાં બંને અલગ પડી ગયા; કાલાવડ પોલીસે શોધી વાલીઓને પરત સોંપ્યા
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ૧૪ વર્ષ અને ૯ વર્ષના બે સગીર બાળકોને કાલાવડ પોલીસે સુરેન્દ્રનગરમાંથી સલામત શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપી દીધા છે. અપહરણની શંકાના આધારે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, બંને બાળકો ગત તા. ૨૭ જુલાઈએ ઘરેથી રમવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં કાલાવડ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાતાં જ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બંને બાળકો સુરેન્દ્રનગર તરફ પહોંચ્યા છે. ત્યારબાદ કાલાવડ પોલીસની ટીમ તાત્કાલિક સુરેન્દ્રનગર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ૧૪ વર્ષના બાળકને પોતાની માતા, જે સુરેન્દ્રનગર રહે છે, તેની પાસે જવું હતું. જોકે તેની પાસે મુસાફરીના પૈસા ન હોવાથી તેણે પોતાના ૯ વર્ષના મિત્ર સાથે જવાનું નક્કી કર્યું હતું. મિત્ર પાસે રહેલા રૂ. ૩૦૦ લઈને બંને બસ મારફતે સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા.
પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ૧૪ વર્ષના બાળકની માતા કચ્છ ગઈ હોવાથી ઘર બંધ મળ્યું હતું. જેના કારણે બંને બાળકો ભટકતા રહ્યા હતા અને દરમિયાન એકબીજાથી અલગ પણ પડી ગયા હતા.કાલાવડ પોલીસે સ્થાનિક પોલીસના સહયોગથી બંને બાળકોને અલગ-અલગ સ્થળેથી સલામત શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તેમને કાલાવડ લાવવામાં આવ્યા હતા. પોલીસ મથકે બંને બાળકોના પરિવારના નિવેદનો નોંધ્યા બાદ તેમના વાલીઓને બોલાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને બંને બાળકોનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.ઝડપી અને સુનિયોજિત તપાસના કારણે બંને બાળકો સલામત મળી આવતાં તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

