ચાર વર્ષ દરમિયાન જામનગર શહેર,તાલુકા અને લાલપુરની ૧૪૩ શાળાના ૧.૯૧ કરોડ વિદ્યાર્થીઓને અપાયું ભોજન
(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯
જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ સાથે અક્ષયપાત્ર સંસ્થા સંચાલિત સરકારશ્રીની શ્રી પી.એમ.પોષણ મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના સુચારું સંચાલન માટે તૈયાર કરાયેલાં મેગા કિચનની આજે જામનગરના કલેક્ટરશ્રી પરિમલ પંડ્યાએ મુલાકાત લીધી હતી.નોંધનિય છે કે,રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે ચાર વર્ષથી સ્થાનિક સરકારી તંત્ર સાથે ચાલતી સયુંકત સેવાકીય પ્રવૃતિમાં જામનગર શહેર-તાલુકા અને લાલપુરની મળી ૧૪૩ શાળાના ૨૩ હજાર વિદ્યાર્થીઓને દૈનિક પોષણયુક્ત ભોજન પીરસવામાં આવે છે.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી પંડ્યાએ મેગા કિચનની કાર્યપદ્ધતિ, સ્વચ્છતા, ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સુવ્યવસ્થિત સંચાલનની વિગતવાર સમીક્ષા કરી હતી અને સમગ્ર કામગીરીને સરાહનીય ગણાવી,પ્રશંસા કરી હતી. આ મેગા કિચનના નિર્માણ માટે જામનગર મહાનગરપાલિકાએ શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે વિશાળ જગ્યા ફાળવી હતી. રિલાયન્સ દ્વારા રૂ.૧૦ કરોડનો કેપિટલ સહકાર મેગા કિચનના મકાનના નિર્માણથી લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈના આધુનિક વાસણો તેમજ ભોજનના વિતરણના વાહનો ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, આ યોજના સતત અને અસરકારક રીતે કાર્યરત રહે તે માટે દર વર્ષે રિલાયન્સ દ્વારા રૂ. ૩.૨૫ કરોડની રિકરિંગ સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે, રિલાયન્સ ફાઉન્ડેશને સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૨થી અત્યારસુધીમાં આ મેગા કિચન મારફતે અંદાજે ૧.૯૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓને પોષણયુક્ત મધ્યાહ્ન ભોજન પહોંચાડવામાં આવ્યું છે. હાલ આ યોજના થકી જામનગર શહેરની ૫૫ તેમજ જામનગર અને લાલપુર તાલુકાની ૮૮ સરકારી પ્રાથમિક શાળાઓના અંદાજે ૨૩ હજાર વિદ્યાર્થીઓને દરરોજ પોષણયુક્ત, ગુણવત્તાસભર અને સ્વચ્છ મધ્યાહ્ન ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ લોકકલ્યાણકારી પહેલને બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી કલેક્ટરશ્રી પરિમલ પંડ્યાએ અક્ષયપાત્ર સંસ્થા, રિલાયન્સ ફાઉન્ડેશન તથા રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીને આ સેવાકીય અને સમાજલક્ષી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

