એલસીબીએ રૂ. ૧,૦૬,૫૧૦નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા; એક ફરાર આરોપીની શોધખોળ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯
જામનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ કાલાવડ અને લાલપુર તાલુકામાં પવનચક્કીના ટાવરમાંથી અર્થીંગ માટેના કોપર કેબલ વાયરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૧,૦૬,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નેતૃત્વમાં પવનચક્કી ટાવર પર થઈ રહેલી કોપર કેબલ ચોરીઓનો ભેદ ઉકેલવા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં આવેલા ’અર્જુન મેટલ’ કારખાનામાં દરોડો પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી, અસગરભાઈ યુસુબભાઈ ખફી અને ગુલામહુશેન ઉર્ફે ભંભો ગફારભાઈ ખફી (ત્રણે રહે. મસીતીયા, જામનગર) તેમજ ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બળવંતભાઈ દિલીપભાઈ ગોહીલ (રહે. મોરકંડા, જામનગર)નો સમાવેશ થાય છે. જ્યારે ખીમલીયા ગામનો કાનાભાઈ નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૧૨૦ મીટર કોપર કેબલના ટુકડા (રૂ. ૭૧,૪૦૦), એક મોટરસાયકલ (રૂ. ૨૫,૦૦૦), બે મોબાઇલ ફોન (રૂ. ૧૦,૦૦૦) તેમજ કટર મશીન અને વાયર કાપવાના સાધનો સહિત કુલ રૂ. ૧,૦૬,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તપાસ દરમિયાન કાલાવડ રૂરલ અને લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કેબલ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. ઉપરાંત આરોપીઓએ લગભગ એક મહિના અગાઉ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની સીમમાં આવેલી ચાર પવનચક્કીઓમાંથી પણ કોપર વાયર ચોરીની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.મુખ્ય આરોપી હાજીભાઈ ખફી સામે અગાઉ પણ કાલાવડ રૂરલ, લાલપુર અને ભાયાવદર પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આ સમગ્ર કાર્યવાહી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એલસીબી સ્ટાફની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી.

