Ahmedabad, તા.30
અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, આજે 30 જુલાઈના રોજ સવારે 4ઃ39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. જોકે, વહેલી સવારનો સમય અને આસપાસનું વાતાવરણ શાંત હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 2.6ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે, જેના કારણે મોટા ભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી. વહેલી સવારે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. આ આંચકો સવારે 2ઃ37ઃ41 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 20.448 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 73.708 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું અને તેની ઊંડાઈ સપાટીથી 5 કિલોમીટર નીચે હતી.

