Ahmedabad,તા.30
રાજ્યમાં બિસ્માર રસ્તાઓ, વધતી ટ્રાફિક સમસ્યા અને બેકાબૂ ધ્વનિ પ્રદૂષણ અંગે દાખલ કરવામાં આવેલી ક્નટેમ્પટ પિટિશન પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગ્જે અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સમક્ષ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે રોડ અને ટ્રાફિકની કથળતી સ્થિતિ સામે ગંભીર વલણ અપનાવતા રાજ્ય સરકારને આગામી 3 અઠવાડિયામાં પાર્કિંગ અને ટ્રાફિક અંગેની રિવાઇઝ્ડ પોલિસી રજૂ કરવા માટે આદેશ કર્યો છે, જ્યારે ધ્વનિ પ્રદૂષણ મામલે આગામી 18મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં શહેરીજનોને ચાલવા માટે ફૂટપાથનો અધિકાર મળતો નથી અને તેના પર સતત ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે.
અરજદાર અમિત પંચાલે દલીલ કરી હતી કે કારગિલ જંકશન પર વાહનોની યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જોકે, આ અંગે ટકોર કરતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે તમામ જંકશનો પર પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હોવાથી ત્યાં વાહનોનોફ્લો અને ટ્રાફિક થવો સ્વાભાવિક છે.
બીજી બાજુ, ડી.જે. અને ધ્વનિ પ્રદૂષણના મુદ્દે પણ કોર્ટે કડક રૂખ અપનાવ્યું હતું. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં ડી.જે. ટ્રકો દ્વારા થતું ધ્વનિ પ્રદૂષણ બેરોકટોક ચાલુ છે.
છેલ્લા એક વર્ષથી કોર્ટના નિર્દેશો મળવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને મંજૂર સમયમર્યાદા પૂરી થયા બાદ પણ મોડી રાત સુધી લાઉડસ્પીકરો વાગતા રહે છે, છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લેતા નથી.
સરકાર પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, રાજ્યના દરેક જિલ્લામાં રખડતા ઢોરના પ્રશ્ને અલગ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અમદાવાદ મોડેલ પોલિસી ધરાવે છે.
આ ઉપરાંત, ટ્રાફિક નિયંત્રણ માટે થલતેજથી હાઇકોર્ટ સુધીના તમામ જંકશન પરના કટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પરિણામે અગાઉ જે રસ્તો કાપવામાં 20 મિનિટ જેટલો સમય લાગતો હતો તે હવે માત્ર 5 થી 6 મિનિટમાં જ પૂર્ણ થઈ શકે છે. કોર્ટે સમગ્ર મામલે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

