Gandhinagar, તા.31
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી અને અમુક ભાગોમાં મેઘતાંડવની ચેતવણી વચ્ચે આજે સપ્તાહથી રાજ્યના અનેક ભાગોમાં ધમાકેદાર મેઘસવારીના મંડાણ થયા હતા. મધ્ય-દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ઝપટે ચડ્યા હતા.
સુરતના ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ તથા વસોમાં 4 કલાકમાં 6.50 ઇંચ ઉપરાંત બોરસદ-નડીયાદમાં છ કલાકમાં 6-6 ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની હાલત સર્જાઇ હતી. નડીયાદમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 8 કલાકમાં 7.52 ઇંચ, વસો અને બોરસદમાં 7-7 ઇંચ ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 19 તાલુકામાં 8 કલાકમાં પાંચ ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. કુલ 125 તાલુકામાં ઝાપટાથી માંડીને 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
અનેક સ્થળોએથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર રાજ્યભરમાં એલર્ટ રહ્યું હતું. ત્રણ દિવસ માટે સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરી નાખવામાં આવી હતી.
રાજ્ય હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આજે સવારે 6 થી બપોરે 12 સુધીના છ કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેડાના વસોમાં સવારે 8 થી બપોરે 12 સુધીના 4 કલાકમાં 6.38 ઇંચ પાણી વરસી ગયું હતું.
આણંદના બોરસદમાં 6 કલાકમાં 6.26 ઇંચ તથા નડિયાદમાં પણ 6 ઇંચ પાણી વરસ્યું હતું. અનરાધાર વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. માર્ગો જળબંબાકાર બન્યા હતા. અમુક માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. ટ્રાફિક જામની હાલત સર્જાઇ હતી.
રાજ્યના અન્ય ભાગો પૈકી ખંભાતમાં 6 કલાકમાં 5.70 ઇંચ, સાગબારામાં 5.67 ઇંચ, ગરૂડેશ્વરમાં 5.67 ઇંચ, આણંદ તથા પેટલાદમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. કુલ 9 તાલુકામાં પાંચ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય અન્ય તાલુકામાં 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો હતો તેમાં તિલકવાડામાં 4.65 ઇંચ, નાંદોડમાં 4.67 ઇંચ, નેગંગમાં 4.53 ઇંચ, ડેડિયાપાડામાં 4.33 ઇંચ, મહુધામાં 4.13 ઇંચ તથા અરેઠમાં 4.02 ઇંચ પાણી વરસ્યું હતું.
હવામાન ખાતાના રીપોર્ટ મુજબ અન્ય 50 તાલુકામાં 1 થી 3 ઇંચ પાણી વરસ્યું હતું તેમાં સોનગઢ, બારડોલી, પલસાણા, ઉકાઇ, સોજીત્રા, નવસારી, માંગરોળ, તારાપુર, કઠલાલ, અંકલેશ્વર, ભરુચ, બાલાસીનોર, વ્યારા, નીજર, નસવાડી વગેરેનો સમાવેશ થતો હતો.
રાજ્યમાં બે ઓગસ્ટ સુધી સાર્વત્રિક અને ખાસ કરીને 31 જુલાઇ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે તેને કારણે રાજ્યભરમાં વહિવટીતંત્રને એલર્ટ રાખવામાં આવ્યું જ છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમેોને પણ તૈનાત રાખવામાં આવી જ છે.
રાજ્યના 115 તાલુકામાં આજે સવારથી બપોર સુધીમાં ઝાપટાથી માંડીને 8 ઇંચ સુધીનેો વરસાદ નોંધાયો હતો. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાસ વરસાદ ન હતો. જ્યાં વાતાવરણ ગોરંભાયેલું હોવા છતાં વરસાદ નહતો.
દરમિયાન ભારે વરસાદ વચ્ચે સુરત, ખેડા, નર્મદા, આણંદ જેવા જિલ્લાઓમાં જળબંબાકારની હાલતથી રેસ્ક્યૂ ટીમોને ઉતારવામાં આવી હતી. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થવાને પગલે પોશ વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા. હીરાબજાર, કાપડ બજાર તથા કારખાનાઓમાં પાણી ભરાતા વેપારીઓ ફરી ચિંતામાં મુકાયા હતા.
આ સિવાય નવસારી જિલ્લાના ગણદેવી નજીક રસ્તા પરથી પસાર થઇ રહેલો ટેમ્પો વિજ વાયરને સ્પર્શી જતાં વિજ કરંટથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બંને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહનો અટવાયા હતા. ખાડીમાં જળસ્તર વધતા રેસ્ક્યૂ બોટ તૈયાર રાખવામાં આવી હતી. છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. સુરતની ખાડીના પાણી ફરી વળતા કતારગામ, સૂર્યપુર, ગરનાળા, પોદાર આર્કેડ રોડ પર ગોઠણડુબ પાણી ભરાયા હતા.

