Mumbai,તા.01
બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર અને ડિરેક્ટર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું સત્તાવાર ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ હતી, ત્યારથી સિનેમાપ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક લોકો તેના ભવ્ય સેટ્સ અને ટ્રેલરના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ જનતા અને સિનેમા એનાલિસ્ટ્સે આ ટ્રેલરમાં 5 મોટી અને ગંભીર ખામીઓ શોધી કાઢી છે, જેને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે.ટ્રેલર જોયા બાદ દર્શકોએ જે સૌથી પહેલી મોટી ખામી નોંધી છે, તે છે ફિલ્મનું નબળું VFX. ટીકાકારોના મતે, આટલું મોટું બજેટ હોવા છતાં ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઘણી જગ્યાએ ખૂબ જ આર્ટિફિશિયલ અને કાર્ટૂનિશ લાગે છે. ફેન્સનું કહેવું છે કે કેટલીક એક્શન સિક્વન્સ અને બેકગ્રાઉન્ડ સીન્સમાં હોલિવૂડની નકલ કરવાનો પ્રયાસ તો થયો છે, પણ તે સ્ક્રીન પર તદ્દન ફેક અને નબળા સાબિત થયા છે.
સોશિયલ મીડિયા પર રણબીર કપૂરના શ્રીરામ તરીકેના લુકને લઈને ફેન્સ સંતુષ્ટ દેખાતા નથી. ઘણા યૂઝર્સનું કહેવું છે કે રણબીરના ચહેરા પર પ્રભુ શ્રીરામ જેવી દિવ્યતા, શાંતિ અને તેજ જોવા નથી મળતું. આ ઉપરાંત, રાવણ અને અન્ય મુખ્ય પાત્રોના કોસ્ટ્યુમ અને ગેટઅપ પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. પાત્રોના લુકમાં પૌરાણિક કથાની ગંભીરતા ઓછી અને આધુનિક ફિલ્મી ડ્રામા વધુ દેખાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે.રામાયણ જેવી પૌરાણિક અને પવિત્ર કથા માટે સંવાદો અત્યંત પ્રભાવશાળી અને શાસ્ત્રોક્ત હોવા જરૂરી છે. પરંતુ આ ટ્રેલરમાં સાંભળવા મળેલા ડાયલોગ્સ ઘણા સાધારણ અને બોલચાલની ભાષા જેવા લાગે છે. ઓમ રાઉતની ‘આદિપુરુષ’ વખતે સંવાદોના કારણે જે વિવાદ થયો હતો, તેનાથી મેકર્સે બોધપાઠ ન લીધો હોય તેવું દર્શકો માની રહ્યા છે, કારણ કે ડાયલોગ્સમાં એ ભાવુક અને આધ્યાત્મિક કનેક્ટ વર્તાતું નથી.
કોઈપણ પૌરાણિક ફિલ્મને હિટ બનાવવામાં અને દર્શકોની રૂંવાડા ઉભા કરવામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો બહુ મોટો રોલ હોય છે. ટ્રેલરમાં વપરાયેલું સંગીત ઠીકઠાક છે, પરંતુ તેમાં એવી કોઈ ધમાકેદાર કે રોમાંચક ધૂન સાંભળવા નથી મળતી જે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહી જાય. સંગીતમાં ગંભીરતા અને ઉર્જાનો અભાવ ટ્રેલરના ફ્લોને નબળો પાડે છે.દર્શકો અને સમીક્ષકોનું માનવું છે કે વાર્તાને વધુ પડતી ગ્લેમરસ અને સિનેમેટિક લુક આપવાના ચક્કરમાં રામાયણની મૂળ સાદગી અને તેના સાચા આત્મા સાથે ચેડાં થયા હોય તેવું લાગે છે. ટ્રેલરમાં એક્શન અને લાર્જર ધેન લાઈફ સીન્સ પર એટલો ભાર મૂકવામાં આવ્યો છે કે વાર્તાની જે મૂળ મર્યાદા અને ઈમોશનલ કનેક્ટ છે તે ક્યાંક ખોવાઈ ગયું છે.

