(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર (દુધાળા) ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતી કામ દરમિયાન વીજશોક લાગતાં એક ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હોવાનું કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નોંધાયું છે. બનાવની વિગતો મુજબ લક્ષ્મીપુર ગામના ૩૫ વર્ષીય સંજયભાઈ કેશાભાઈ સોજીત્રા જાકીરભાઈ અબ્બાસભાઈ સાદીકોટની વાડીમાં કામ માટે ગયા હતા. ત્યાં ઓરડીમાં રહેલા મોટરના ઇલેક્ટ્રિક સ્ટાર્ટરમાં વાયરના છેડા આપતી વખતે તેમને અચાનક વીજશોક લાગ્યો હતો. ગંભીર વીજશોકના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે જમનભાઈ પોપટભાઈ સોજીત્રાની જાણના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ હેઠળ નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે એએસઆઈ જી.આઈ. જેઠવા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

