Rajkot તા.૧
શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨, ૩ અને ૭માં તાજેતરમાં ઘણા દિવસો સુધી દુષિત અને ગંદા પાણીનું વિતરણ થતા લોકો હેરાન થઇ ગયા હતા. ઉપરથી નર્મદાની પાઇપલાઇન મારફત આવતું પાણી નવી આવક સાથે ક્ષારવાળુ બનતા આ હાલત સર્જાઇ હતી જેના પગલે વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર ધૈર્યભાઇ પારેખે સતત ત્રણ દિવસ વોર્ડ નં.રના જુદા જુદા વિસ્તારોમાં ફરીને, અધિકારીઓને સાથે રાખી આ પ્રશ્ન મોટા ભાગે હલ કરાવી દીધો છે. હવે કાશી વિશ્વનાથ પ્લોટ સહિતના વિસ્તારોમાં રાબેતા મુજબ શુધ્ધ પાણી મળવા લાગ્યાનું નગરસેવકે જણાવ્યું હતું.
જુના રાજકોટના વોર્ડ નં.ર, ૩ અને ૭ના અનેક વિસ્તારોમાં ઘણા દિવસો સુધી દુષિત પાણી આવતું હતું અને આ અંગે લોકો કોર્પોરેટર, વોર્ડના અધિકારીથી માંડી કમિશ્નર સુધી ફરીયાદ કરતા હતા. અનેક વિસ્તારમાં પાણીના ટાંકા પણ દુષિત બનતા તે સાફ કરાવવાની જરૂર ઉભી થઇ હતી.
આ સમસ્યાથી વાકેફ થઇને કોર્પોરેટર વિસ્તારમાં દોડતા થયા હતા. સીટી ઇજનેર સહિતના વોટર વર્કસ તથા ડ્રેનેજના અધિકારીઓને સાથે રાખી તેઓએ વિસ્તારમાં ચકાસણી શરૂ કરી હતી. વહેલી સવારે પાણી વિતરણના સમયે પણ ટીમો પહોંચી હતી. આ બાદ પ્રશ્નનો ઉકેલ આવતા બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં દુષિત પાણીનો પ્રશ્ન હલ થયો છે.
થોડા સમય પહેલા રાજકોટના જળાશયોની સ્થિતિ ધ્યાનમાં લઇને વધુ નર્મદા નીર માંગવાની જરૂર પડી હતી. ઢાંકી અને ત્યાંથી હડાળા મારફત રાજકોટ સુધી નર્મદા નીર પહોંચે છે. આ વધુ પાણી ખેંચવામાં આવતા ક્ષારવાળા પાણીનો જથ્થો રાજકોટ સુધી પહોંચ્યો હતો.
આ કારણે સેન્ટ્રલ ઝોનના અને વેસ્ટ ઝોનના અમુક ભાગમાં દુષિત પાણી પહોંચ્યુ હતું. વોર્ડ નં.રના કાશી વિશ્વનાથ, શ્રોફ રોડ, સદર, પ્ર.નગર પોલીસ સ્ટેશન રોડ સહિતના ભાગોમાં પાણી દુષિત થતા લોકો ઉપયોગમાં પણ લઇ શકતા ન હતા. આ તમામ જગ્યાએ હવે શુધ્ધ પાણી મળવા લાગ્યું છે.
નગરસેવકે જણાવ્યું હતું કે, ડહોળા પાણીથી લોકોને મુશ્કેલી પડી હોય, પાઇપલાઇનથી માંડી ફિલ્ટર સહિતની પ્રક્રિયા ચકાસી લેવામાં આવી છે. ઉપરથી ક્ષારના કારણે આવું બન્યું હતું. હવે પ્રશ્ન ઉકેલાયો છે છતાં લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે જોવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. તો લોકોને પણ ફરિયાદ હોય તો તુરંત કોલ સેન્ટર અથવા તેનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

