ડી.એન.એ. રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા અને તમામ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપી શ્યામજીને ગુનેગાર ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો
Gandhinagar, તા.૧
મિત્રની હત્યા કરનાર આરોપીને કલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આડા સંબંધોની શંકામાં લોખંડના દસ્તાના ફટકા મારી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના ગુનામાં કલોલ કોર્ટના ચોથા સેશન્સ જજ બી.આર. રાજપુતે આરોપીને દોષિત ઠેરવી આજીવન સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે.ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર ગામનો મૂળ નિવાસી અને હાલ કલોલના બિલેશ્વરપુરા સીમમાં આવેલી એક લિમિટેડ કંપનીની કેન્ટીનમાં કામ કરતો શ્યામજી ઉર્ફે પંડા મહેશપ્રસાદ પોતાના વતનના મુકેશ દેવપાલ કેવટ પર આડા સંબંધનો વહેમ રાખતો હતો.
ગત તા. ૬ જૂન ૨૦૨૫ ના રોજ બપોરના સમયે મુકેશ કેવટ કેન્ટીનના સ્ટોરરૂમમાં સુતો હતો. ત્યારે ઝનૂનમાં આવી ગયેલા શ્યામજીએ દસ્તા વડે સુતેલા મુકેશના માથાના ભાગે એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. આ હત્યાને અંજામ આપી આરોપી ભાગી છૂટ્યો હતો. આ હત્યા કેસની તપાસ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ યુ. એસ. પટેલ સહિતની ટીમે હાથ ધરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ દલીલ કરી હતી કે, આરોપીએ માત્ર શંકાના આધારે નિર્દોષ વ્યક્તિનું માથું ફોડી નાખી તેની નૃશંસ હત્યા કરી છે. આવા આરોપી સામે કોઈ દયા દાખવી શકાય નહીં. સરકારી વકીલની દલીલો, તપાસ અધિકારીએ એકત્રિત કરેલા ડી.એન.એ. રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા અને તમામ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપી શ્યામજીને ગુનેગાર ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો છે.

