(મિલાપ રૂપારેલ) Amreli, તા.6
અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે આવેલું વર્ષો જૂનું બિલ્ડિંગ નવી બ્રોડગેજ ટ્રેનના પ્લેટફોર્મ અને બ્રોડગેજની અન્ય સુવિધાઓના નિર્માણમાં અડચણરૂપ બન્યું છે. આ બિલ્ડિંગ તોડી પાડવા સામે કેટલાક લોકો દ્વારા વિરોધ અને તેને યથાવત રાખવાની માંગણી કરવામાં આવતી હોવાથી લાંબા સમયથી આ મુદ્ કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો. ત્યારે હવે રેલ્વે વિભાગ દ્વારા જુના બિલ્ડિંગને સંપૂર્ણ દૂર કરવાના બદલે અડચણરૂપ ભાગમાંથી માત્ર 4 મીટર જેટલો ભાગ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહી બાદ પણ અંદાજે ર મીટર જેટલો ભાગ નડતરરૂપ રહે તેમ હોવાથી રેલ્વેની આ નીતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે.
રેલ્વેના નિયમ મુજબ બ્રોડગેજ માટે રેલ્વે પાટાથી 6.પ મીટર સુધીના અંતરમાં અન્ય કોઈ બાંધકામ ન હોવું જોઈએ. ત્યારે અમરેલી રેલ્વે સ્ટેશનનું જૂનું બિલ્ડિંગ પાટાની અત્યંત નજીક આવેલું હોવાથી નવા બ્રોડગેજ માટેના પ્લેટફોર્મ સહિતની કામગીરીમાં તે અડચણરૂપ બનેલ છે. આ જુનું બિલ્ડિંગ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રેનના શરૂ થવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ હોવાનું જાણવા મળે છે.
ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે, જો રેલ્વેના નિયમ મુજબ પાટાથી 6.પ મીટર સુધી બાંધકામ રાખી શકાય તેમ નથી અને જૂના બિલ્ડિંગનો ઉપયોગ પણ શકય રહ્યો નથી, ઉપરાંત અંડરપાસની સીડી માટે પણ જુના રેલ્વે સ્ટેશનની આ જગ્યા પણ જરૂરી છે. તો પછી જુના બિલ્ડિંગનો માત્ર 4 મીટર ભાગ તોડીને બાકીનો ભાગ યથાવત રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે ? રેલ્વેની આવી ઢીલી નીતિના કારણે ભવિષ્યમાં ફરીથી બાંધકામ તોડવાની કે યોજનામાં ફેરફાર કરવાની સ્થિતિ સર્જાય તેવી શકયતા વચ્ચે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
અમરેલી જિલ્લાના ખીજડીયા જંકશન, દામનગર, લાઠી, કુંકાવાવ, ચિત્તલ, વડિયા, લાઠી, સાવરકુંડલા, રાજુલા વગેરે ગામો તેમજ રાજયના રેલ્વે સ્ટેશન એશિયા લેવલના અમૃત સ્ટેશન બની ગયા છે અને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પરંતુ જિલ્લા મથક એવા અમરેલીના નવા બનેલા રેલ્વે સ્ટેશનમાં પણ નાનકડી એવી ગામડાની પ્રાથમિક શાળામાં હોય તેવું નાનકડુ બાંધકામ કરવામાં આવેલ છે અને બીજી કોઈ ખાસ સુવિધાઓ નથી.
જો બિલ્ડીંગ પાડવા માટે અગાઉથી નિર્ણય લેવામાં આવ્યો હોત તો તે મોકાની જગ્યા ઉપર ખૂબ સારૂં રેલ્વે સ્ટેશન બની શકયું હોત. પરંતુ તંત્રની ઢીલી નીતીના કારણે હજુ સુધી અમરેલીનો વિકાસ રૂંધાયેલો જ છે.

