Ahmedabad,તા.૬
અમદાવાદ શહેરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગના એક સ્પામાં કામ કરતા યુવકને ૫ શખ્સોએ હુમલો કરી ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મૃતક યુવકનું નામ દશરથ મીણા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલા અને તોડફોડની સમગ્ર ઘટના સ્પામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ પાછળ દશરથ મીણાએ બાતમી આપી હોવાની શંકામાં આરોપીઓમાં રોષ હતો. આ અદાવત રાખીને ૫ શખ્સો હંસપુરા વિસ્તારમાં આવેલા ક્રિશા સ્પામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દશરથ સાથે બોલાચાલી કરી હતી. જોકે, દશરથે રેડ અંગે પોતે કોઈ માહિતી આપી ન હોવાનું જણાવ્યું હતું.
ઘટના બાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે આશરે ૧૨ઃ૩૦ વાગ્યાના સમયે ૪થી ૫ શખ્સો ફરીથી સ્પામાં પહોંચ્યા હતા. તે સમયે સ્પામાં એક મહિલા અને દશરથ હાજર હતા. આરોપીઓએ ફરીથી બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ દશરથને ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ સ્પામાં તોડફોડ પણ કરી હતી.આ દરમિયાન હુમલાખોરોએ દશરથને ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. નરોડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સ્પાના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલામાં સ્પાના સંચાલન અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. સૂત્રો મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં સ્પાના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો સામે આવતી રહી છે. હાલ પોલીસ હત્યાના મૂળ કારણ, આરોપીઓની ભૂમિકા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવશે.

