Vadodara,તા.૬
વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ (એસએસજી)માંથી એક કેદી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે પકડાયેલો યુવક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતા તેણે તકનો લાભ લઈ પોલીસકર્મીને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો.આ સમગ્ર ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પોલીસ આરોપીને શોધવા માટે હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આરોપી ગોવિંદ રમેશ વિહાતિયા દાહોદનો રહેવાસી છે અને દુષ્કર્મ કેસમાં કાચા કામનો આરોપી છે. તેને સ્કિન અને પેશાબની જગ્યાએ ઈન્ફેક્શન હોવાથી સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
પોલીસ આરોપીને વોર્ડ નંબર-૫માં ઈન્જેક્શન અપાવવા લઈ ગઈ હતી. હાથ પર ઈન્જેક્શન આપવાનું હોવાથી તેની હાથકડી ખોલવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ અચાનક તકનો લાભ લીધો હતો અને પોલીસકર્મીને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસકર્મીઓએ તરત જ આરોપીનો પીછો કર્યો હતો. પોલીસ દ્વારા ‘પકડો, પકડો’ની બૂમો પાડવામાં આવી હતી, પરંતુ આરોપી હોસ્પિટલ નજીકથી આગળ નીકળી ગયો હતો. ત્યારબાદ તે નજીકમાં આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. પોલીસની ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આરોપીને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
આરોપી બિલ્ડિંગમાં છુપાયો હોવાની આશંકાને પગલે પોલીસે ડ્રોનની મદદથી પણ તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ માઈક દ્વારા આરોપીને બહાર આવી જવા માટે અપીલ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીને સલામત રીતે બહાર લાવવા અને ફરીથી કસ્ટડીમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. આરોપી કઈ રીતે ફરાર થયો અને તેમાં કોઈ અન્યની મદદ હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાથકડી ખોલવાનો લાભ લઈ તે ભાગી ગયો હતો.

