વિનોદભાઇ માછી નિરંકારી
માનવજીવનનું સૌથી મોટું બંધન આસક્તિ છે.સંસારના પદાર્થો,વ્યક્તિઓ અને સુખો પ્રત્યેનો મોહ જ મનુષ્યમાં રાગ અને આસક્તિ જન્માવે છે.આ આસક્તિમાંથી જ લૌકિક પ્રેમ ઉત્પન્ન થાય છે જે આત્માના કલ્યાણના માર્ગમાં સૌથી મોટો અવરોધ કે વિઘ્નરૂપ બને છે.જો આ જ પ્રેમ અને આસક્તિને સંસારમાંથી હટાવીને સચ્ચિદાનંદ પરમાત્મા પ્રત્યે વાળી દેવામાં આવે તો મનુષ્યનો સદાય માટે ઉદ્ધાર થઈ જાય છે.
આપણે જોઇએ છીએ કે વ્યવહારમાં આપણે જે વ્યક્તિ કે વસ્તુને ‘પોતાની‘ માની લઈએ છીએ તેની સાથે આપોઆપ પ્રેમ થઈ જાય છે.જેમ માતા-પિતા,ભાઈ-બહેન કે કુટુંબ સાથે આપણે સંબંધ બાંધીએ છીએ તેમ પરમાત્મા સાથે પણ એક દ્રઢ સબંધ સ્થાપિત કરવાની પરમ આવશ્યકતા છે.આ સંસારમાં જોવા મળતો પ્રત્યેક જીવ પછી તે સદગુણી હોય કે દુષ્ટ-એ તમામ એક જ પરમેશ્વરની રચના છે.આ સંસાર કાયમી નથી પરંતુ એક ‘મુસાફરખાનું‘ છે.આપણે અહીં થોડા સમય માટે રોકાયેલા યાત્રીઓ છીએ.અહીં કશું જ શાશ્વત નથી.આપણું આ શરીર તન-મન અને ધન જેને આપણે અજ્ઞાનતાવશ ‘અમારૂં માની બેઠા છીએ એમાંથી કશું જ કાયમ રહેવાનું નથી.કાયમ રહેનાર માત્ર એક પરમાત્મા જ છે.પરમાત્માના અનન્ય ભક્તો આ સત્યને સમજે છે અને ભગવાન સાથે નિષ્કામપ્રેમ કરીને અંતે તેમના દિવ્ય સ્વરૂપમાં વિલીન થઈ જાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય સંદેશ અને મોહભંગ..શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંતમાં ભગવાને અર્જુનને પૂછ્યું કે “હે અર્જુન ! તેં ગીતાનો ઉપદેશ એકાગ્ર ચિત્તે સાંભળ્યો કે નહીં?” ત્યારે અર્જુને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું કે “નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત” હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને મારી વાસ્તવિક સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે.અર્જુનનો મોહ કેવળ ભગવાનની અહેતુકી કૃપાથી નષ્ટ થયો.મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તે આ ક્ષણભંગુર સંસારને સાચો અને નિત્ય માની લે છે.સંસારના તમામ સાથીઓ માત્ર સ્વાર્થના સગાં છે,જ્યારે પરમાર્થ કે કલ્યાણના માર્ગમાં તેઓ અજ્ઞાતપણે બાધક બને છે તેથી સ્વાર્થનો ત્યાગ કરીને એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ કે “આપણે માત્ર ભગવાનના છીએ અને ભગવાન જ આપણા છે.”
ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અભય વચન આપ્યું છે કે જે મનુષ્ય પોતાના સઘળા અહંકાર અને પાપોનો ત્યાગ કરીને તેમના શરણે આવે છે તેને તેઓ તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે. પરમાત્માના દિવ્ય ચરણોમાં સમર્પિત થઈ જવાથી જીવનના તમામ કષ્ટો,ચિંતાઓ અને આફતો ક્ષણવારમાં સમી જાય છે.
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એક અત્યંત ગુપ્ત અને પરમ રહસ્યમય શબ્દ આવ્યો છે ‘સર્વગુહ્યતમ‘ સૌથી ગોપનીય જ્ઞાન.ગીતાઃ૧૮/૬૬માં ભગવાન શ્રીકૃષ્ણ શરણાગતિનો આ મહામંત્ર આપે છે.
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ
ભગવાને કહ્યું છે કે તમામ ધર્મોનો આશ્રય છોડીને તું માત્ર મારી શરણમાં આવી જા,હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, ચિંતા ન કર.
અહીં ‘મા શુચઃ‘-શોક ન કર શબ્દ પ્રભુના અપાર વાત્સલ્યનો પરિચય કરાવે છે.‘શુચઃ‘ શબ્દ ગીતામાં મુખ્યત્વે બે વાર વિશેષ રૂપે આવે છે-એક દૈવી સંપદાના વર્ણનમાં અને અંતમાં આ પૂર્ણ શરણાગતિના પ્રસંગે.મનુષ્ય કેવળ પોતાના અહંકાર અને ‘હું-મારાપણું‘ને લીધે જ દુઃખ ભોગવી રહ્યો છે.જો તે એકવાર દ્રઢતાથી અને સરળ હૃદયથી પ્રભુનો સ્વીકાર કરી લે તો તેના બધા દુઃખ,પાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે. જેમ જીવનમાં લગ્ન એક જ વાર થાય છે,ગુરૂધારણ એક જ વાર થાય છે તેમ પરમાત્મા પ્રત્યેનો આ સ્વીકાર પણ એક જ વાર દ્રઢ નિષ્ઠાથી કરવાનો હોય છે.એકવાર પ્રભુના ચરણે સમર્પિત થયા પછી ચિંતા કરવાનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે જ્યારે ભાર આપણે પોતે ઊંચકીએ છીએ ત્યારે જ ચિંતા થાય છે, જ્યારે ભાર ભગવાન પર છોડી દઈએ છીએ ત્યારે જીવન નિશ્ચિંત બની જાય છે.
જેમ એક માતા ક્યારેય કુમાતા નથી બની શકતી,પુત્ર ભલે કુપુત્ર બને,તેમ પરમાત્મા ક્યારેય પોતાના અંશ જીવનો ત્યાગ કરતા નથી.સંતો અને પરમાત્માનો સ્વભાવ અત્યંત શાંત,દયાળુ અને ક્ષમાશીલ હોય છે,તેઓ ક્યારેય જીવ પર બળજબરી કરતા નથી,જબરદસ્તી કે હિંસા એ તો ચોર અને ડાકુઓનું કામ છે,પ્રભુ તો પ્રેમથી જીવના હૃદયના દ્વાર પર ટકોરા મારે છે.
મારી શરણમાં આવીને તું ચિંતા કરે છે એ મારા પ્રત્યે અપરાધ છે,તારૂં અભિમાન છે અને શરણાગતિમાં કલંક છે.મારા શરણે આવીને પણ મારો પૂરો વિશ્વાસ,ભરોસો ન રાખવો એ જ મારા પ્રત્યે અપરાધ છે.પોતાના દોષોને લઈને ચિંતા કરવી એ વાસ્તવમાં પોતાના બળનું અભિમાન છે કારણ કે દોષોને મટાડવામાં પોતાની સામર્થ્ય જણાવાથી જ તેમને મટાડવાની ચિંતા થાય છે.હા,જો દોષોને મટાડવામાં ચિંતા ન થઈને દુઃખ થાય છે તો દુઃખ થવું એટલું દોષિત નથી જેમ કે નાના બાળકની પાસે કૂતરો આવે છે તો તે કૂતરાને જોઈને રડે છે,ચિંતા નથી કરતો,તેવી જ રીતે દોષોનું ન ગમવું એ દોષ નથી પરંતુ ચિંતા કરવી એ દોષ છે.ચિંતા કરવાનો અર્થ એ જ થાય છે કે ભીતરમાં પોતાના છુપાયેલા બળનો આશ્રય છે અને એ જ તારૂં અભિમાન છે.મારો ભક્ત થઈને પણ તું ચિંતા કરે છે તો તારી ચિંતા દૂર ક્યાં થશે? લોકો પણ જોશે તો એ જ કહેશે કે આ ભગવાનનો ભક્ત છે અને ચિંતા કરે છે ! ભગવાન આની ચિંતા મટાડતા નથી ! તું મારો વિશ્વાસ ન કરીને ચિંતા કરે છે તો વિશ્વાસની ઊણપ તો છે તારી અને કલંક આવે છે મારા પર,મારી શરણાગતિ પર.આને તું છોડી દે.
તારા ભાવ,વૃત્તિઓ,આચરણ શુદ્ધ નથી થયા તો પણ તું આની ચિંતા ન કર.આની ચિંતા હું કરીશ. ૨/૭માં અર્જુન ભગવાનના શરણે થઈ જાય છે અને પછી આઠમા શ્લોકમાં કહે છે કે આ ભૂમંડળનું ધન-ધાન્યથી સંપન્ન નિષ્કંટક રાજ્ય મળવા છતાં અથવા દેવતાઓનું આધિપત્ય મળવા છતાં પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારો મારો શોક દૂર થઈ શકે તેમ નથી.ભગવાન માનો કહી રહ્યા છે કે તારૂં કહેવું યોગ્ય જ છે કારણ કે ભૌતિક નાશવંત પદાર્થોના સંબંધથી કોઈનો શોક ક્યારેય દૂર થયો નથી,થઈ શકતો નથી અને થવાની સંભાવના પણ નથી પરંતુ મારા શરણે થઈને જે તું શોક કરે છે એ તારી બહુ મોટી ભૂલ છે.તું મારા શરણે થઈને પણ ભાર પોતાના માથા પર લઈ રહ્યો છે.
શરણાગત થયા પછી ભક્તે લોક-પરલોક,સદગતિ-દુર્ગતિ વગેરે કોઈપણ વાતની ચિંતા ન કરવી જોઈએ. આ વિષયમાં કોઈ ભક્તે કહ્યું છે કે..‘હે નરકાસુરનો અંત કરનારા પ્રભો ! આપ મને ચાહે સ્વર્ગમાં રાખો,ચાહે ભૂમંડળ પર રાખો અને ચાહે યથેચ્છ નરકમાં રાખો એટલે કે આપ જ્યાં રાખવા માંગો ત્યાં રાખો. જે કંઈ કરવા માંગો તે કરો.આ વિષયમાં મારૂં કંઈપણ કહેવાનું નથી.મારી તો એક આ જ માંગણી છે કે શરદ-ઋતુના કમળની શોભાને તિરસ્કૃત કરનારા આપના અતિ સુંદર ચરણોનું મૃત્યુ જેવી ભયંકર અવસ્થામાં પણ ચિંતન કરતો રહું,આપના ચરણોને ભૂલું નહીં.
શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે..
સન્મુખ હોઇ જીવ મોહિ જબહીં,જન્મ કોટિ અઘ નાસહીં તબહીં..
જ્યારે જીવ ભગવાન તરફ સન્મુખ થાય છે ત્યારે તેના કરોડના કરોડો જન્મોના પાપ તુરંત નષ્ટ થઈ જાય છે.‘સન્મુખ થવું‘ એટલે શું? એવો સંકલ્પ કરવો કે “હું માત્ર પ્રભુનું જ કાર્ય કરીશ અને સંસારના દરેક કાર્યને પ્રભુની સેવા માનીને કરીશ.”
જેમ એક નાનો બાળક જમી લે કે પોતાની માતાને કહી દે કે “મા ! હું તો કેવળ તમારો જ છું” તો માતાનું હૃદય આનંદથી ભરાઈ જાય છે,તેવી જ રીતે જ્યારે જીવ ભગવાનને કહી દે કે “હે નાથ ! હું આપનો જ છું અને આપના શરણે છું” ત્યારે પરમાત્મા તેને પોતાના ખોળામાં બેસાડી લે છે.
ભગવાને મનુષ્ય શરીર આપણને કોઈ સ્વાર્થ વગર ફક્ત કૃપા કરીને આપ્યું છે જેથી આપણે આત્માનું કલ્યાણ સાધી શકીએ.ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે હજારો મનુષ્યોમાંથી કોઈ એક મારા માટે પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈ વિરલ જીવ જ મને તત્વથી જાણી શકે છે પરંતુ પરમાત્માને પામવાની આ રીત અત્યંત સુગમ અને મફતમાં મળી જાય તેવી છે-એ છે સંપૂર્ણ શરણાગતિ.
આ જ્ઞાનયોગ-કર્મયોગ અને ભક્તિયોગનું અંતિમ રહસ્ય છે.આમાં કોઈ અઘરી સાધના કે કઠિન તપસ્યાની જરૂર નથી,બસ..આટલી જ યુક્તિ પકડવાની છે કે ભગવાનના શ્રીચરણોમાં મન-બુદ્ધિ અને અહંકારને અર્પણ કરી દેવાના,જે ક્ષણે જીવ આ દિવ્ય શરણાગતિનો સ્વીકાર કરે છે તે જ ક્ષણે સંસારના તમામ વિઘ્નો દૂર થઈ જાય છે અને અનંત શાંતિ તથા આનંદની પ્રાપ્તિ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી

