પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ડીસીપી હરપાલસિંહ જાડેજા, એસીપી લાલીવાલ સહીતની ટીમો મેદાનમાં ઉતરી
Rajkot,તા.19
શહેરમાં નંબર પ્લેટ લગાવ્યા વિના અથવા તો ચેડા કરેલી નંબર પ્લેટ વાહનમાં લગાવી ફરતા શખ્સો પર ટ્રાફિક પોલીસે ધોસ બોલાવી છે. પોલીસ કમિશ્નરે ‘નો નંબર પ્લેટ, નો ફ્યુલ’ નું જાહેરનામાના અમલવારીના પ્રથમ દિવસે જ ટ્રાફિક ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા. ટ્રાફિક પોલીસના ચેકીંગમાં નંબર પ્લેટ વિનાના વાહનો લઈને નીકળેલા 62 ચાલકો ઝપટે ચડ્યા હતા. પોલીસે આ તમામ વાહનો ડિટેઇન કર્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સમી સાંજે રાજકોટના હાર્દ સમાન કિશાનપરા ચોક સહિતના વિવિધ સર્કલો અને સંવેદનશીલ ચાર રસ્તાઓ પર પોલીસે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી. મેગા ડ્રાઈવ દરમિયાન પોલીસે શહેરભરમાં નંબર પ્લેટ વિનાના વાહબો દોડાવતા 62 ચાલકોના વાહન ડિટેઇન કર્યા હતા. ઝુંબેશમાં માત્ર બાઈક જ નહીં, પરંતુ કાર ચાલકો સામે પણ કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. નિયમ વિરુદ્ધ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાવીને ફરતા અનેક કાર ચાલકો પોલીસના સકંજામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ આવી કારોમાંથી કાળા કાચની ફિલ્મ દૂર કરાવી હતી અને ચાલકોને મોટો દંડ ફટકાર્યો હતો. કાળા કાચ પાછળ ગુનાહિત પ્રવૃત્તિઓ છુપાવવાનો પ્રયાસ કરતા તત્વોને આ ડ્રાઈવ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે.

