Ahmedabad,તા.૨૦
કલોલ તાલુકાના કોઠા ગામે સ્વામીનારાયણ મંદિર પાસે એક કરુણ અકસ્માત સર્જાયો છે. હિંડોળા ઉત્સવ દરમિયાન અન્ય બાળકો સાથે રમી રહેલી ૫ વર્ષની માસૂમ બાળકી પર કારનું પાછલું ટાયર ફરી વળતાં તેનું મોત થયું હતું. ઘટનાને પગલે કોઠા ગામના રાવળવાસ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
કલોલ તાલુકાના કોઠા ગામના રાવળવાસમાં રહેતા દિપક કચરાભાઈ રાવળ અને તેમના પત્ની સુનિતા કામ માટે બહાર ગયા હતા. તેમના બે બાળકો જેમાં ૧૪ વર્ષીય દીકરો સ્મિત અને ૫ વર્ષની દીકરી દીપ્સી ગામના સ્વામીનારાયણ મંદિરે ચાલી રહેલા હિંડોળા ઉત્સવમાં ગયા હતા. દીપ્સી મંદિર સામે અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન રાત્રિના આશરે સવા આઠ વાગ્યાના સમયે દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ ફરિયાદ મુજબ, ગામમાં રહેતા કારચાલક નવનીત નારાયણ પટેલ પોતાની પત્નીને સ્વામીનારાયણ મંદિરે દર્શન માટે મૂકવા આવ્યા હતા. પત્નીને નીચે ઉતાર્યા બાદ તેઓ પોતાની કાર આગળ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર નીચે કંઈક આવી ગયું હોવાનો અહેસાસ થતાં તેમણે તરત વાહન ઊભું રાખ્યું હતું. નીચે ઉતરીને તપાસ કરતાં ડ્રાઇવર સાઇડના પાછળના ટાયર નીચે નાની દીપ્સી ગંભીર હાલતમાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં બાળકીના માતા-પિતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ કારચાલકની કારમાં જ દીપ્સીને સારવાર માટે નજીકની નારદીપુર ઝ્રૐઝ્ર હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. હિંડોળા ઉત્સવની ખુશી વચ્ચે સર્જાયેલી આ કરુણ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.
આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત કઈ રીતે થયો અને તેમાં અન્ય કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓ પર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

