(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
Jamnagar જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવ્યું હોવા છતાં શહેરના પીવાના પાણીના મુખ્ય જળસ્રોત એવા રણજીતસાગર અને સસોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ નથી. રણજીતસાગરમાં હાલ આશરે ૨૦થી ૨૫ દિવસ ચાલે તેટલું જ પાણી છે, જ્યારે સસોઈ ડેમમાં માત્ર ૭થી ૮ દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે. પરિણામે શહેર માટે પીવાના પાણીની ચિંતા યથાવત છે.
હાલ જામનગર શહેરમાં પ્રતિદિન આશરે ૧૪૭ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. તેમાં સૌથી મોટો આધાર ઊંડ અને આજી ડેમનો છે. ઉપરાંત સસોઈ અને રણજીતસાગર ડેમમાંથી પણ પ્રતિદિન ૨૦ એમએલડીથી વધુ પાણી ઉપાડવામાં આવે છે. નર્મદા કેનાલ મારફતે પણ આશરે ૨૦ એમએલડી પાણી મેળવવામાં આવે છે.
દરમિયાન વરસાદની ખેંચના કારણે અગાઉ નર્મદા કેનાલનું પાણી ખંભાળિયા તરફ વાળવામાં આવ્યું હતું, પરંતુ હવે બન્ને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોની પાણીની માંગ ઘટી છે. જેથી પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌની યોજના મારફતે પાણીના જથ્થાનો ઉપયોગ કરવાનો માર્ગ ખુલ્યો છે.
છેલ્લા વરસાદથી આજી અને ઊંડ-૧ ડેમમાં પાણીની આવક થઈ છે, તેથી ચાલુ સપ્તાહ દરમિયાન સૌની યોજના મારફતે આજી-ઊંડ તરફથી સસોઈ ડેમમાં પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવશે. આમ, હાલના વરસાદથી જામનગર શહેરના પીવાના પાણીના મુખ્ય ડેમોને સીધો લાભ મળ્યો નથી, પરંતુ સૌની યોજનાના સહારે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ સંભાળવાનો તંત્રને વિકલ્પ મળ્યો છે. શહેરની હદમાં આવેલા રણમલ તળાવ માં હાલના વરસાદથી પાણીની સામાન્ય આવક થઈ છે.

