ટ્રકની પોલીસી નં. ડી૦૧૯૧૫૫૧૫૨માં વીમાની મુદત સહિતની વિગતો બદલી હોવાનું ખુલ્યું , અમરેલીના યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
જામનગરમાં અકસ્માત વળતર મેળવવા અંગેના કોર્ટ કેસમાં અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી તેની મુદત સહિતની વિગતોમાં ફેરફાર કરીને બનાવટી વીમા પોલીસી તૈયાર કરી કોર્ટમાં સાચી તરીકે રજૂ કરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. વીમા કંપનીના રેકર્ડની ચકાસણી દરમિયાન બનાવટી પોલીસીનો પર્દાફાશ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે રાજકોટ ખાતે રહેતા અને ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ વિભાગમાં સિનિયર એસોસિયેટ તરીકે ફરજ બજાવતા નિસાર ફતેહમામદ જાડેજા (ઉંમર ૪૨)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી છેલ્લા આશરે પાંચ વર્ષથી વીમા કંપનીમાં ફરજ બજાવે છે અને તેમની કામગીરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કોર્ટમાં આવતા વાહન અકસ્માતના વળતર દાવાઓને લગતા પોલીસ કેસના કાગળો મેળવવા તેમજ ફરિયાદી અને સામેવાળા પક્ષની તપાસ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ, જામનગરના અકસ્માત વળતર દાવા કેસ નં. ૩૦/૨૦૨૪ અંગેના દસ્તાવેજો એપ્રિલ-૨૦૨૪ દરમિયાન ફરિયાદીની કંપનીની શાખા કચેરીમાં આવ્યા હતા. આ કેસમાં દાવાની અરજી, દસ્તાવેજોની યાદી તથા અન્ય કાગળો કોર્ટના સમન્સ સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
આ દસ્તાવેજોની તપાસ દરમિયાન પંચ એ ડિવિઝન પોલીસ મથક, જામનગરમાં નોંધાયેલા ગુના નં. ૧૧૨૦૨૦૪૫૨૪૦૦૨૯/૨૦૨૪માં સંડોવાયેલા અશોક લેલન ટ્રક નંબર જીજે-૧૪-એક્સ-૫૭૪૦ની વીમા પોલીસી રજૂ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ગુનો તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના અકસ્માતના બનાવ અંગે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ સહિતની કલમો હેઠળ નોંધાયો હતો.
રજૂ કરાયેલી વીમા પોલીસીનો નંબર ડી૦૧૯૧૫૫૧૫૨ હતો. આ પોલીસીમાં પોલીસી ઈશ્યુ તારીખ, ઈન્વોઈસ તારીખ તથા રસીદની તારીખ તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ દર્શાવવામાં આવી હતી અને વીમાની મુદત તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩થી તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીની દર્શાવવામાં આવી હતી.
જોકે, પોલીસીની વિગતો અંગે શંકા જતા ફરિયાદી દ્વારા પોતાની વીમા કંપનીના રેકર્ડમાં તેની ચકાસણી કરવામાં આવી હતી. કંપનીના રેકર્ડમાં પણ પોલીસી નંબર ડી૦૧૯૧૫૫૧૫૨ જ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ પોલીસીની અસલ મુદત તા. ૧૦ જુલાઈ, ૨૦૨૦થી તા. ૯ જુલાઈ, ૨૦૨૧ સુધીની હોવાનું બહાર આવ્યું હતું.
આમ, કોર્ટમાં રજૂ કરવામાં આવેલી પોલીસી અને વીમા કંપનીના અસલ રેકર્ડમાં રહેલી પોલીસીની મુદતમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી તેની વેલીડિટીનો સમયગાળો તથા અન્ય વિગતો બદલીને નવી બનાવટી પોલીસી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવટી પોલીસીને સાચી વીમા પોલીસી તરીકે અકસ્માત વળતર કેસમાં રજૂ કરવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી બચવાના હેતુથી આ પ્રકારની બનાવટી વીમા પોલીસી રજૂ કરવામાં આવી હોવાની ફરિયાદીને શંકા છે. આ મામલે ફરિયાદી દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે એમ.એ.સી.પી. એસ.આઈ.ટી. સમક્ષ પણ લેખિતમાં અરજી કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં અમરેલીના જેસીંગપરા, સંઘરાજ કારખાનાવાળી વિસ્તારના રહેવાસી યુવરાજસિંહ દાદુભા જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમણે અકસ્માતમાં ઇજા પામનારને વળતર ચૂકવવું ન પડે તે માટે ટ્રક નંબર જીજે-૧૪-એક્સ-૫૭૪૦ની અસલ વીમા પોલીસી નં. ડી૦૧૯૧૫૫૧૫૨માં વીમાની મુદત તથા અન્ય વિગતોમાં ફેરફાર કરી બનાવટી પોલીસી તૈયાર કરી અને તેને સાચી તરીકે રજૂ કરી હતી.
આ અંગે નિસાર ફતેહમામદ જાડેજાએ યુવરાજસિંહ દાદુભા જાડેજા વિરુદ્ધ તેમજ પોલીસ તપાસ દરમિયાન આ કૌભાંડમાં સંડોવણી બહાર આવે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની માગ સાથે પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે અને વીમા પોલીસીમાં છેડછાડ કોણે કરી, બનાવટી દસ્તાવેજ કઈ રીતે તૈયાર થયો અને તેને કોર્ટમાં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તે સહિતની બાબતોની તપાસ શરૂ કરી છે.

