(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
કાલાવડ તાલુકામાં ખેતરમાં પાણીની મોટર ચાલુ કરી ખેતરમાં જતા એક શ્રમિકને અચાનક હાર્ટ એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ કાલાવડ રણુજા રોડ ઉપર ધનાભાઈ કોઠારીની વાડીમાં તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કુંભનાથપરા, વેલનાથ ચોક, કાલાવડ ખાતે રહેતા ૪૮ વર્ષીય ગોપાલભાઈ જીવાભાઈ ઝીંઝુવાડીયા ખેતરમાં પાણી માટેની મોટર ચાલુ કરી ખેતર તરફ જતા હતા.દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો તથા અન્ય લોકો તેમને સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ શૈલેષભાઈ જીવાભાઈ ઝીંઝુવાડીયાએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ અકુદરતી મોત નંબર ૨૦/૨૦૨૬ તરીકે નોંધ કરી છે. સમગ્ર બનાવની તપાસ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.ડી. ઝાપડીયા ચલાવી રહ્યા છે.

