શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં અસામાજિક અને ગુંડા તત્વોનો જમાવડો
ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ,અગાઉ બહુચર્ચિત જુગાર રેડમાં પણ તેનું નામ ખુલ્યું હતું
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૦ઃ
શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ગુંડા તત્વોનો જમાવડો જોવા મળી રહ્યો છે ભાજપ નેતાઓ વિરુદ્ધ વિવિધ ગુનાહિત પ્રવૃતિઓ અંગે ફરિયાદો નોંધાતી રહે છે જેમાં મોરબીના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ એક પરિણીત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે
મોરબીની રહેવાસી એક પરિણીત મહિલાએ આરોપી શૈલેષ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પૂર્વે પતિની બીમારી માટે આરોપી શૈલેષ માકાસણા પાસેથી ૧ લાખ ઉછીના લીધા હતા જે રકમના બદલામાં આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જેને પગલે પરિણીતા ગર્ભવતી બની હતી જેથી આરોપીએ બાળકની જવાબદારી તે નિભાવશે તેવો વાયદો કરતા ગર્ભપાત કરાવ્યો ના હતો અને ભોગ બનનાર પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો
જે બાળકના જન્મ બાદ બાળકની કોઈ જવાબદારી આરોપી નિભાવતો ના હતો જેથી પરિણીતાએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આરોપી શૈલેષ માકાસણા મોરબી મહાપાલિકા વોર્ડ નં ૮ ના મહિલા કોર્પોરેટરના પતિ છે અગાઉ ટંકારા ઘુનડા રોડ પર બહુચર્ચિત જુગાર રેડમાં પણ તેમનું નામ ખુલ્યું હતું તો હવે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

