પારેવડી ચોક પાસે એક પછી એક ૫ વાહનોને ટક્કર મારી, ૩ને ઈજા
Rajkot તા.૨૦ઃ
રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે ૩થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ અકસ્માતની ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે.
ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને અડફેટે લીધા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં બાઈકચાલક પરથી આઇસરનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. આઇસર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આઇસર ચાલકની અટક કરી છે તથા અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરવામાં આવી છે.

