Surat,તા.૨૧
શહેરમાં વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કતારગામમાં ૧૫ વર્ષીય ધોરણ-૧૧ની વિદ્યાર્થિની નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી, પરંતુ દોઢ કલાક સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી અને હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ બંધ બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હોવાથી ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ એકઠો થયો હતો. ગેસના ગળતર અને ઓક્સિજનની અછતને કારણે વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ઘરમાં ગેસ ગીઝર લગાવતી વખતે વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કેટલી જરૂરી છે તે ફરી એકવાર દર્શાવ્યું છે.
કતારગામ ગુરુદ્વારા નજીક ગુણાતીત નગર સોસાયટીમાં રહેતા બેંક કર્મચારી જીગ્નેશભાઈ વરીયાની ૧૫ વર્ષીય પુત્રી પ્રિયમ નજીકની ખાનગી શાળામાં ધોરણ-૧૧ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. શનિવારે સવારે સોસાયટીમાં યોજાયેલી ગણેશ આરતીમાં જવા માટે તે બાથરૂમમાં નહાવા ગઈ હતી.
લાંબો સમય વીતી ગયો છતાં પ્રિયમ બહાર ન આવતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. લગભગ દોઢ કલાક બાદ દરવાજો ખખડાવવામાં આવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ પરિવારજનોએ દરવાજો તોડ્યો હતો. પ્રિયમ જમીન પર બેભાન હાલતમાં મળી આવી હતી.
પરિવારજનોએ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ ગીઝરમાંથી નીકળેલા ઝેરી વાયુના ગળતરથી ગૂંગળામણ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
સુરતમાં ગેસ ગીઝરને કારણે જીવ ગુમાવવાની આ પહેલી ઘટના નથી. ફેબ્રુઆરી ૨૦૨૬માં લાલગેટ હરિપુરાની સોય શેરીમાં આવેલા સૈયદ મંઝિલના ત્રીજા માળે એક જ પરિવારના ત્રણ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
૪૧ વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ, તેમની ૩૭ વર્ષીય પત્ની મુબીનાબાનુ અને ૧૨ વર્ષીય પુત્ર નોમાનના મોત થયા હતા. પરિવારના મોટા ભાઈ ઉસ્માન સૈયદે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે દંપતી બેડરૂમમાં અને બાળક હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ ઘરમાં પ્રસરી જતાં શ્વાસમાં જવાથી ગૂંગળામણ થઈ હોવાનું બહાર આવ્યું હતું.
નવેમ્બર ૨૦૨૫માં ઓલપાડ તાલુકાના માસમા સ્થિત ગૃહમ લક્ઝરિયામાં રહેતી ૨૬ વર્ષીય ડિન્કલ આદિત્યકુમાર ભગત પણ બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. ડિન્કલ સુરત મહાનગરપાલિકાના વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી.
પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડીને તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ગેસ ગીઝરના ઝેરી વાયુના ગળતરથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
આ ત્રણ અલગ-અલગ ઘટનાઓ સહિત સુરતમાં છેલ્લા ૭ મહિનામાં ગેસ ગીઝર સંબંધિત ઘટનાઓમાં કુલ ૪ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે.

