૭૭ હજારના બે ક્લેમ સામે કંપનીએ ૩૨-૩૨ હજાર જ ચૂકવતા પોલિસીધારકે કરી હતી ફરિયાદ
Rajkot તા.૭ઃ
મોતિયાના ઓપરેશનનો ખર્ચના મેડિક્લેમમાં માત્ર આંશિક ક્લેમ મંજૂર કરી સેવામાં ખામી રાખ્યાની પોલિસી ધારકની ફરિયાદ ગ્રાહક આયોગે પોલિસીમાં કલોઝ ૨.૧૭ની સ્પષ્ટ જોગવાઈ ધ્યાને લઈ નામંજૂર કરી છે.વધુ વુગત મુજબ, સુરેન્દ્રનગર ખાતે રહેતા મુકેશ રસીકલાલ વજેરીયાના પત્ની હર્ષાબેનને જમણી અને ડાબી આંખમાં ડો.પરેશ બાવીશી પાસે ઓપરેશન કરાવ્યા હતા, જેમાં ડોકટરે કવોલિટી લેન્સ ફીટ કરેલ હતા.
તેમાં મુકેશભાઈ વજેરીયાએ ‘‘બેન્ક સારથી મેડી કલેઈમ ઈન્સ્યુરન્સ પોલિસી‘‘ ઓરિએન્ટલ વીમા કંપની પાસેથી લીધેલ હોય, તેમાં બંને ઓપરેશનના વારાફરતી કલેઈમ ફોર્મ, જરૂરી દસ્તાવેજો અને બિલો સાથે સબમિટ કરી કુલ રૂા. ૭૭,૧૯૪ + ૭૭,૧૯૪ની માંગણી કરી હતી, પરંતુ વીમા કંપનીએ બંનેમાં માત્ર રૂ. ૩૨,૦૦૦ + રૂ. ૩૨,૦૦૦ મંજુર કર્યા હતા. આથી વીમાધારકે નારાજ થઈ બંને કિસ્સામાં ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની સામે તફાવતની રકમ વ્યાજ અને ખર્ચ સાથે મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
જેમાં વીમા કંપની વતી એડવોકેટે દલીલ કરેલ હતી કે, ફરીયાદીએ લીધેલ એ પ્લાન પોલિસીમાં કલોઝ-૨.૧૭માં સ્પષ્ટ જોગવાઈ છે કે, ગોલ બ્લેડર, એઈજ રિલેટેડ મેક્યુલા ડિજનરેશન, એપેન્ડિક્સ, કેટરેકટ ઓપરેશન (મોતીયાનું) વિગેરેમાં કોઈપણ કવોલીટીનો લેન્સ ડોકટર દ્વારા ઈમ્પ્લાન્ટ કરવામાં આવે તો પણ કલોઝ-૨.૧૭ની જોગવાઈ મુજબ ખર્ચનુ કેપિંગ મુજબ, ફરીયાદીને બંને કિસ્સામાં રૂા. ૩૨,૦૦૦ ચુકવી આપવામાં આવેલ છે, આથી સામાવાળાએ સેવામાં કોઈ ખામી કરેલ નથી. કંપનીને નેશનલ કમિશન અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ પોલિસીની શરતો અને કલોઝો અને અપવાદોની બહાર જવાની સતા નથી. ગ્રાહક તકરાર નિવારણ આયોગે, વીમા કંપનીના દલીલોને કન્સિડર કરી, કુલ બે ફરીયાદો જે ફરીયાદીએ કરેલ તે બન્ને ફરીયાદો ના-મંજુર કરી છે. આ કેસોમાં વીમા કંપની વતી એડવોકેટ પીઆર દેસાઈ અને સુનિલ વાઢેર રોકાયા હતા.

