બેંકમાંથી રોકડ ઉપાડી ૨૭ મહિના સુધી પોલીસ પકડથી દૂર રહેનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
Rajkot તા.૭ઃ
માર્કેટિંગ યાર્ડની પેઢીના રૂ.૪૫ લાખ લઈ ૨૭ મહિના સુધી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા રોનકભાઈ ઉદેશીની માર્કેટિંગ યાર્ડ સ્થિત પેઢીમાં નોકરી કરતા અમિત ઉર્ફે લાલો ડાભી નામનો કર્મચારી બેંક ઓફ બરોડાની યુનિવર્સિટી રોડ શાખામાંથી પેઢીના રોકડા રૂ.૪૫ લાખ ઉપાડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગુના ઝડપાયેલા આરોપી અમિત ઉર્ફે લાલો ડાભી દ્વારા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં આઈ.પી.સી. કલમ ૪૦૮ લાગુ પડતી નથી. જેની સામે મૂળ ફરિયાદી પક્ષ તથા સરકારી વકીલ દ્વારા ધારદાર અને સચોટ રજૂઆત કરવામાં હતી કે આ કેસમાં રૂ. ૪૫ લાખ જેટલી ખૂબ જ મોટી રકમ સંકળાયેલી છે અને આ ગુનાની રકમ હજુ સુધી પોલીસ દ્વારા રિકવર કે ડિસ્કવર થઈ શકી નથી, જે બાબત ગુનાની અત્યંત ગંભીરતા દર્શાવે છે. આ ઉપરાંત, આરોપી ગુનો આચર્યા બાદ કોઈ સામાન્ય સમય નહીં પરંતુ સળંગ ૨૭ મહિના જેટલા લાંબા સમયગાળા સુધી કાયદાની પકડથી દૂર ભાગતો રહ્યો હતો. સેશન્સ કોર્ટે રજૂ થયેલા તમામ ગંભીર પાસાઓ અને દલીલોને ધ્યાને રાખીને આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી ફગાવી દીધી છે. આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી જૈનભાઈ સાવલિયા, સ્તવન જી. મહેતા, બ્રિજેશ ચૌહાણ, નિરંજન ભટ્ટી અને સરકારી વકીલ અતુલ જોશી રોકાયા હતા.

