એસઓજી પીએસઆઈ રાઠોડ વતી રૂ. બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ રોકડ રકમ પણ જપ્ત કરાઈ
Anand, તા.૩૦
Anand જિલ્લા પોલીસ તંત્રમાં છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ બીજી વખત એસીબીએ સપાટો બોલાવતાં આજે એસઓજીના પીએસઆઇ વતી એક વચેટીયો રૂ. બે લાખની લાંચ લેતાં રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં ળીજ થયેલા બેંક એકાઉન્ટ ને અનફ્રીજ કરવા તથા ધરપકડ નહીં કરવા માટે લાંચ માંગવામાં આવી હતી.જેમાં વચેટિયાની કારમાંથી રૂપિયા ૪૯ લાખ રોકડા પણ મળી આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેર પોલીસમથકમાં એક ફરિયાદ દાખલ થઈ હતી, તે ગુનાની તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી. આણંદ ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ તપાસમાં જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીજ થયું હતું અને તેની ધરપકડ કરવાની તૈયારી પણ કરાઈ હતી. આ અંગે એસઓજી પીએસઆઈ વી.એન.રાઠોડનો તેમને સંપર્ક સાધ્યો ત્યારે ધરપકડ નહી કરવા અને તેમનું બેંક એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે રુા. બે લાખની લાંચ માંગવામાં આવી હતી. એટલે ફરિયાદી લાંચ આપવા તૈયાર નહોતા. તેમણે તરત જ આ અંગે અમદાવાદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.એટલે એસીબી દ્વારા તેમણે પીએસઆઈ વી.એન. રાઠોડને નાણાં આપવાની કબુલાત કરી હતી.
જેને પગલે તેમણે પોતાના વચેટીયા દીલીપ ઉર્ફે દીપુ ભીખાભાઈ પટેલને નાણાં આપવા તેવું જણાવ્યું હતું. જે બાબતે એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ દ્વારા આજે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી નાણાં લઈને એસઓજી ઓફિસની બહાર ગયા હતા, જ્યાં એક કારમાં પીએસઆઈ રાઠોડનો વચેટીયો દિલીપ ઉર્ફે દીપુ ભીખાભાઈ પટેલ લાંચના ૨ લાખ રૂપિયા સ્વીકારતાં રંગે હાથે પકડાઈ ગયો હતો. જોકે, આ કાર્યવાહી દરમિયાન આરોપી પીએસઆઇ વી.એન.રાઠોડ ત્યાં હાજર મળી આવ્યા નહોતા. વળી, પંચોની ઉપસ્થિતિમાં આરોપીની મારૂતિ સિયાઝ કારની તપાસ કરતાં આશ્ચર્યજનક રીતે તેમાં તેની પાસેથી શંકાસ્પદ રૂપિયા ૪૯,૦૦,૦૦૦ રોકડા પણ મળી આવ્યા હતા, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ સફળ ટ્રેપ અમદાવાદ એસીબી ફીલ્ડ-૧ ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. એસઓજી પીએસઆઈ વતી રૂ. બે લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટીયા અંગેની ચર્ચા ફેલાઈ જતાં આણંદ જિલ્લા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. એસીબી દ્વારા પીએસઆઇ રાઠોડની પણ ધરપકડ કરવા માટે પુરાવા એકત્ર કરીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને તેમના વતી લાંચ લેનાર વચેટીયા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.આ ઉપરાંત વચેટિયા પાસેથી વધારાના રૂપિયા ૪૯ લાખ ક્યાંથી અને કોની પાસેથી આવ્યા અથવા મેળવ્યા તે બાબતે પણ અનેક પ્રકારના તર્કવિતર્કો થઈ રહ્યા છે.
દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રની કામગીરી બાબતે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. બરાબર એક અઠવાડિયા પહેલા આંકલાવના પીઆઈ રુા. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા હતા. માત્ર સાત દિવસમાં જ આણંદ જિલ્લા પોલીસના બે અધિકારીઓ એસીબીના સંકજામાં આવ્યા છે. આ બંને ઘટનાઓએ જાહેર કર્યું છે કે, પોલીસનું સ્તર કેટલી હદ સુધી નીચે ઉતરી ગયું છે.

