દિવાળીની ઉઘડતી સવારે જેલ સ્ટાફને ચકમો આપી પોક્સોના ગુનાનો પાકા કામનો કેદી મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયો’તો : બે કલાકમાં જ કેદીને પકડી પાડ્યો
Rajkot,તા.૨૧
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ગત દિવાળીના દિવસે ઉઘડતી સવારે જ પોક્સોના ગુનાનો પાકા કામનો કેદી જેલ સ્ટાફને ચકમો આપી મુખ્ય પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જેલ વિભાગ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરી બે કલાકમાં જ કેદીને પકડી લેવામાં આવ્યો હતો. જે મામલે ફરજમાં બેદરકારી દાખવનાર ઝડતી અમલદાર અને ગેઇટ સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જયારે અન્ય ચાર કર્મચારીઓને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. ૮-૧૧-૨૦૨૬ ના સવારના ૭:૩૦ કલાકે જેલમાં બંદીવાન પાકા કામનો કેદી રાહુલ જેઠાભાઇ સાગઠીયા જેલના ગેઇટ પાસેથી નાસી ગયો હતો. જે અંગેની જાણ થતા જેલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. તાકીદે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે બે કલાકમાં જ પોપટપરાના નાલા પાસેથી આ ફરાર કેદીને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે આ મામલે જે- તે સમયે ગુનો નોંધવામાં આવ્યો ન હતો. દરમિયાન ગઇકાલે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર ગ્રુપ- ૨ ભાવેશભાઇ રમણિકભાઇ પરમારની ફરિયાદ પરથી જેલમાંથી ભાગી ગયેલા કેદી રાહુલ સાગઠિયા વિરૂધ્ધ એન.સી.ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, જેલમાંથી નાસી ગયેલો પાકા કામ કામના કેદી રાહુલ સાગઠીયા સામે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોકસોનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં અદાલતે તેને 20 વર્ષ કેદની સજા ફટકારી હતી. તા. 20-4-2025 થી તે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો છે. દરમિયાન દિવાળીના દિવસે સવારના સમયે તક મળતા અહીંથી નાસી ગયો હતો.
જેલ સ્ટાફને ચકમો આપી કેદી નાસી જવાના આ પ્રકરણને લઈ જેલના સુપ્રિટેન્ડેડ દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો અને બાદમાં જેલમાં ગેટ પર રહેલા ગાર્ડ અને ઝડતી અમલદારની બેદરકારી સામે આવતા બંને કર્મચારી જયદીપસિંહ જાડેજા અને મહેશ ડામોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં કેદી ભાગી જવાના આ પ્રકરણને લઇ જેલમાં ફરજ બજાવનાર ચાર કર્મીઓને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે.

