ટ્રાન્ઝેકશન ફેઈલ જતાં યુવાને બેલેન્સ ચેક કરતા ભાંડો ફૂટ્યો : સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
Jasdan,તા.૨૧
ટેક્નોલોજીના યુગમાં સાયબર ફ્રોડના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો થવા પામ્યો છે. સાયબર ચાંચીયા અગાઉ ઓટીપી, ડિજિટલ અરેસ્ટ કરી લોકો પાસે નાણાં ખંખેરતા હતા પણ હવે ફોન કર્યા વિના, ઓટીપી મેળવ્યા વિના સાયબર માફિયાઓ લોકોના મોબાઈલ યેનકેન પ્રકારે હેક કરી ખાતા ખાલી કરી નાખતા હોય તેવા બનાવો છાસવારે સામે આવી રહ્યા છે ત્યારે આવા વધુ એક બનાવમાં જસદણના યુવાનનો મોબાઈલ હેક કરી ખાતામાંથી રૂ. 60 હજારની બઠાંતરી કરી લેવામાં આવી હતી. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં વિશ્વકર્મા સોસાયટી આસોપાલવ પાસે વીંછિયા રોડ પર રહેતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ શાપરા(ઉ.વ.38) નામના યુવાને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા. 18-11 ના રોજ બપોરના સમયે તે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતા ટ્રાન્જેક્શન થયું ન હતું. જેથી તેણે બેલેન્સ ચેક કરતા ઓનલાઈન એકથી વધુ ટ્રાન્જેક્શન દેખાતા હતા, જે ટ્રાન્જેક્શન તેણે કર્યા ન હતા. જે પૈકી કેટલાક ટ્રાન્ઝેકશન ફેઇલ પણ થયા હતા. બાદમાં બેંકમાં જઈ તપાસ કરતા યુવાનના એકાઉન્ટમાંથી રૂપિયા 50,000 તથા રૂ.10,000 એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા 60,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આમ યુવકની જાણ બહાર તેનો મોબાઇલ ફોન હેક કરી તેના એકાઉન્ટમાંથી નાણા તફડાવી લેવામાં આવ્યા હોય સાયબર ફ્રોડની આ ઘટના અંગે યુવાને જસદણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

