New Delhi,તા.06
ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે ચાહકો નિરાશ થયા છે. પરંતુ હવે, વધુ એક સમાચારે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.
એક અહેવાલ સામે આવ્યો છે કે, કોહલી ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. કોહલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ઈજા તેને ઓછામાં ઓછા છ અઠવાડિયા સુધી રમતથી દૂર રાખી શકે છે. પરિણામે, તે 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી ગુમાવી શકે છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કોહલીએ પોતાની ઈજા અંગે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. દિનશા પારડીવાલાની ફોન પર સલાહ લીધી હતી. તેમણે તેમનું MRI સ્કેન કરાવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમને સ્નાયુ ફાટી ગયા છે. આ ઈજાને સર્જરીની જરૂર નથી. તેને સાજા થવામાં લગભગ છ અઠવાડિયા લાગશે, જેમાં બેંગલુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રિહેબિલિટેશનનો પણ સમાવેશ થશે.”
બીજી તરફ, રોહિત શર્માનો પણ ફિટનેસ ટેસ્ટ થશે. અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલા ફિટનેસ ટેસ્ટ માટે તે 8 જૂને બેંગલુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરે તેવી અપેક્ષા છે. રોહિતને શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ભાગીદારી સંપૂર્ણપણે ફિટનેસ ટેસ્ટના પરિણામો પર નિર્ભર રહેશે.

